વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.
નામ: રેખા પટેલ "સખી"
માંજલપુર,
વડોદરા.
વાર્તા શીર્ષક : વલોપાત
રૂપાએ શાળાનું શિક્ષણ સારી રીતે પૂરું કર્યું. બોર્ડમાં તે 80%એ ઉતીર્ણ થઈ. બધાં ખૂબ ખૂશ હતાં. અભિનંદનનો તો જાણે વરસાદ થવા લાગ્યો. પાર્ટી અને ભેટ સોગાદ લેવામાંથી પરવારીને હવે આગળ શું કરવું તેનો વિચાર કરવા લાગી. તેણે કોમર્સ લાઈન લઈ તેમાં સી. એ. કરવાનું નક્કી કર્યું.
ઈચ્છાઓના આકાશમાં રૂપા વિહરવા લાગી. આગળ વધવાના સપનાઓ જોવા લાગી. ભણવામાં ખૂબ હોંશિયાર તો હતી જ તેથી તે મન દઈને ભણવા લાગી. ખૂબ મહેનત કરતી. સપનાઓ સાકાર કરવામાં તે પોતાના સઘળા શોખ બાજુ પર મૂકી એક પછી એક પરીક્ષાઓ આપવા લાગી. તેને ગોલ્ડ મેડલ સિવાય કશું જોઈતું ન હતું. આવીજ લગન અને મહેનતથી તેણે સી. એ. ની પરીક્ષાઓ આપી અને આખા રાજ્યમાં ઉતીર્ણ બનીને ગોલ્ડ મેડલ મેળવ્યો. તેનું સપનું પૂરું થયું. અભિનંદનની વર્ષા થઈ. નાનાઓનો આદર, મિત્રોનો પ્રેમ અને વડિલોના ખોબલે ખોબલે આશીર્વાદ મેળવ્યાં.
જીવનમાં કંઈક બનવાની ઈચ્છા તેના મનમાં આકાર પામવા લાગી. તે સી. એ. ની પ્રેકટીસ કરવા અને તેનો અનુભવ લેવા માટે તેણે મલયની ઓફિસમાં નોકરી કરવા લાગી. પોતાની મહેનતને લીધે તેણે બધીજ જાણકારી મેળવી લીધી અને સતેજ બુધ્ધિને કારણે તેમાં ખૂબ આગળ વધી ગઈ.
ધીરે ધીરે મલયનાં દિલમાં રૂપા માટે પ્રેમની લાગણીઓ થવા લાગી. રૂપા પણ થોડા હિચકીચાટ બાદ એ લાગણીઓને સાદ આપવા લાગી. તેઓ એકબીજાની વધારે નજીક આવી ગયાં. એકબીજાને સારી રીતે સમજવા લાગ્યાં. એકબીજા માટે પ્રેમનો અહેસાસ કરવા લાગ્યાં.
આખરે રૂપા અને મલયે નક્કી કર્યું કે હવે આપણે આ પ્રેમ સંબંધને નામ આપવું પડશે. ક્યાં સુધી આમ છૂપી રીતે મળ્યાં કરીએ? આથી તેઓએ પોતપોતાને ઘેર પોતાનાં માતાપિતાને બધી વાત કરી. મલયનાં ઘરનાં બધાં ખાનદાન, વ્યવહારિક,શિક્ષિત અને પ્રેમાળ છે એટલે રૂપાનાં માબાપ રાજી થયાં અને મલયનાં માબાપની પણ મંજૂરી આવી હોવાથી લગ્નની તૈયારીઓ કરવા લાગ્યાં. લગ્નનાં અવસરને મન ભરીને માણી લેવાની તૈયારીઓ કરવા લાગ્યાં.
થોડા સમયમાં તો લગ્ન પણ રંગેચંગે થઈ ગયાં. તેનો આનંદને ઉમળકો પણ પસાર થવા લાગ્યો. રૂપા પણ ધીરે ધીરે તેના સંસારમાં સ્થિર થવા લાગી. હવે તે પોતાની જિંદગી વિશે વિચારવા લાગી. તે આગળ શું કરશે? ભણતર અનુભવ બધું જ હતું તો હવે કેવી રાહ જોવાની? તેને ખાલી ખાલી સમય પસાર કરવાનું ગમતું ન હતું. તેણે મલયને કહ્યું, "હવે મારે કામ શરૂ કરી દેવું જોઈએ."
આ બાબતની ઘરમાં ચર્ચા થઈ અને મલયે કઈંક વિચારીને કહ્યું "તું બહાર કામ કરીશ તો થાકી જઈશ એટલે તને ના પાડી હતી પણ હવે તું ઘરમાં જ ઓફિસ બનાવી દે અને વર્કિંગ અવર્સ નક્કી કરી દે એટલે વાંધો નહીં". આમ મલયે રૂપાની વાતનું માન રાખ્યું એટલે તેને મનથી પણ સંતોષ થયો કે મારું ભણતર ને આવડત નકામાં ન ગયાં. તેનો ઉપયોગ પણ થશે, કમાણી પણ થશે અને ઘરનું ધ્યાન પણ રખાશે.
થોડો સમય બધું બરાબર ચાલ્યું. ઘર અને ઓફિસ તે બરાબર સંભાળતી. આમ સમય વીતી તી ગયો ખબર પણ ન પડી. રૂપા સગર્ભા બની. સમય જતાં તેણે સુંદર મજાના ગોળમટોળ પુત્રને જન્મ આપ્યો. રૂપા અને મલય આનંદના સાગરમાં ડૂબકીઓ મારવા લાગ્યાં. પુત્ર મિતને હૈયાને હિંડોળે બેસાડી ઝૂલાવવા લાગ્યાં. દાદા, દાદી અને ફોઈબાનો પ્રેમ તેને મળવા લાગ્યો. મિત, રૂપા ને મલય પ્રેમમાં તરબોળ બની જીવવા લાગ્યાં. સૌ ખૂબજ ખૂશ થઈ મિતને લાડકોડથી ઉછેરવા લાગ્યાં.
મિત મોટો થવા લાગ્યો. હવે તેને સંભાળવો મુશ્કેલ બન્યો. તેના તોફાન વધતાં ગયાં. તે ઘડી ઘડી મમ્મીની ઓફિસમાં જઈને તોફાન કરતો ને ધમાલ મચાવતો. તેના ક્લાયન્ટ બેઠાં હોય તો પણ કસમયે આવી જતો અને રડીને તોફાન કરતો. રૂપા તેના સાસુ અને નણંદને પણ તેને બહાર લઈ જવા સમજાવતી પણ તેં માનતો નહીં અને ધમાલ કરતો. રૂપા વ્યગ્ર રહેવા લાગી. તેના સાસુ અને નણંદ પણ તેનાથી કંટાળી ગયા હતાં. તેને કંઈ સમજ પડતી ન હતી. હવે શું કરવું? તે ત્રાસી ગઈ હતી. હવે ઘરમાં ઓફિસ વાળું તેનું ગણિત સાવ ઉંધુ પડ્યું. તેણે મલયને વાત કરી તો તે કહે "હું શું કરું? તારી જાતેજ ઉકેલ લાવને".
કોઈતો ઉકેલ લાવવો જ પડશે. છેવટે બધાંની ના છતાં તેણે બધાંથી દૂર દહેરાદૂનમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણવા મૂક્યો. તેને તો પૂરી આઝાદી મળી ગઈ. તેનાં દોસ્તો પણ તેના જેવા જ તોફાની અને આવારા હતાં. સીગારેટ, દારૂ, જુગાર અને ડ્રગની ખરાબ આદત નાનપણથી પડી ગઈ. રૂપા અને મલય જે પૈસા મોકલાવે તેનો ઉપયોગ બેફામ કરવા લાગ્યો. પ્રિન્સિપાલે પણ મિતને વિશે બધું જણાવ્યું. થોડી ધમકી અને સલાહ પણ આપી તો તેનું નિરાકરણ કશું જ ન આવ્યું. તેના માબાપના હાથની વાત ન રહી. તેને બીજા છોકરાઓને સંગ ન લાગે એટલે સ્કૂલમાંથી કાઢી મૂક્યો.
ઘેર આવીને પણ પોતાની મરજી પ્રમાણે જીવવા લાગ્યો. બેફામ પૈસા વાપરવા લાગ્યો. ન આપે તો પોતાના જ ઘરમાંથી ચોરી કરવા લાગ્યો. તેનું જીવન નિરંકુશ બની ગયું. લાચાર માબાપ તેને સૂધારી ન શક્યાં.
તે ડ્રગ માફિયાને હાથે ફસાતો ગયો. ચોવીસ કલાક નશામાં રહેતો. એમાંથી નીકળવાનો કોઈ માર્ગ ન રહ્યો. માએ ખોળો પાથરી ખૂબ વિનંતીઓ કરી, રડી રડીને આંસુઓના દરિયા વહાવ્યાં. હોંશમાં હોય તો અસર થાયને? તેના કારણે આખું ઘર બદનામ થઈ ગયું. પૈસેટકે પણ ખૂવાર થઈ ગયાં અને મહેલમાંથી ઝૂંપડીમાં આવી ગયાં.
આમ એકનો એક પુત્ર બરબાદ થઈ ગયો અને સૌને બેહાલ કરતો ગયો. એક દિવસ અંદરોઅંદર માફિયાના ઝગડામાં મિતને ગોળી વાગી અને બૂરી મોતે તે મરણ પામ્યો. માનો વલોપાત વધી ગયો. પિતાની આંખોમાંથી આંસુઓ સુકાતા ન હતાં. આ આંસુઓની સરવાણીમાં તેને યાદ કરીને જીવતાં હતાં. પુત્રને સાચવી ન શક્યા એ માટે પોતાને જવાબદાર ગણાવતાં હતાં. અહીં તો કોણ કોને આશ્વાસન આપે? આભ ટૂટી પડે ત્યારે દિલનાં દરવાજા બંધ થઈ જાય છે, લીલેરી લાગણીઓ સુકાઈ જાય છે અને વેદનાનો દરિયો ઉછળે છે. આ જ વલોપાત જ્વાળામુખી બનીને ઉલ્કાપાત સર્જે છે અને તેમાં સૌ ભસ્મ બની જાય છે.
👉 રચના નંબર - ૨
શીર્ષક : મનોમંથન ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા
રીટાના લગ્ન સામાન્ય કુટુંબમાં થયાં. તેને સંતોષ હતો કે સુખ અને શાંતિનો રોટલો ખાવા મળશે પણ ધાર્યું બધું થોડું થાય છે? વિધાતાએ શાંતિ અને સુખ લખ્યાં ન હોય તો ક્યાંથી મળે?
એક દિવસ રીટા નહાવા બેઠી ત્યારે પગની આંગળી પર રતાશ પડતું ચાઠુ જોયું. તે ખૂબ મૂંજાય ગઈ. પહેલાં તો તેણે ઘરગથ્થુ ઉપચાર કર્યા પણ તેનાથી તેને સારું ન થયું. પછી બીજી આંગળીઓને પણ ચેપ લાગ્યો અને એમાંથી લોહી અને પરુ નીકળવા લાગ્યું. તે ખૂબ ગભરાઈ ગઈ. રાકેશ ને કેવીરીતે કહેવું? તે શું વિચારશે? આવા મનોમંથનમાં સમય પસાર થતો ગયો.
એક દિવસ રાકેશની નજર તેનાં પગની આંગળીઓ પર પડી. તેણે રીટાને પૂછ્યું " શું થયું છે?"
રીટાએ કહ્યું "ખબર પડતી નથી." તેઓ ડોક્ટરને ત્યાં ગયાં. બધાં રિપોર્ટ કરાવ્યાં પછી ખબર પડી કે રક્ત પિત્તનો રોગ થયો છે. બન્ને ખૂબ ગભરાઈ ગયાં. ડોક્ટરે જણાવ્યું "સારવાર કરાવો નહીં તો ધીરે ધીરે આંગળા સડવા માંડશે." આ તો ચેપી રોગ. હવે શું કરવું? ઘરમાં બીજાને ચેપ લાગી જાય. આખી રાત રીટાનું મનોમંથન ચાલ્યું.
બીજે દિવસે પણ ઉદાસ રહેવા લાગી. તેની જીવવાની ઈચ્છા મરી પરવારી. તેં કોઈને કહી શકતી નહતી. આગ લાગી હોય તો કેવીરીતે ઠારવી? મનની વેદનાની વાત કોને કહું? ના, મારે રાકેશને દુઃખી નથી કરવો. તેણે આ જ વિચારમાં ઘર છોડવાનું નક્કી કરી દીધું. બધાં સૂઈ જાય પછી તેં અહીંથી જતી રહેશે. રાત પડવાની રાહ જોવા લાગી.
કાળી અમાસ જેવી રાતે આંખોમાં તૂટેલાં સપનાઓ સાથે, ધોધમાર આંસુઓ સાથે તે ઘરમાંથી કોઈને પણ કીધા વગર નીકળી પડી. તેનું કોઈ ભવિષ્ય ન હતું. જીવતી લાશની માફક ચાલતી ચાલતી અને તળાવમાં સમાય ગઈ. ના કોઈને કશું કીધું કે ના કોઇને કશું કહેવાનો મૌકો આપ્યો. આ કેવું મનોમંથન?
રેખા પટેલ "સખી"
માંજલપુર,
વડોદરા.
હવે આ રોગની સારવાર થાય છે અને સારું પણ થઈ જાય છે. પહેલાં એની કોઈ દવા શોધાઈ નહોતી. 🙏🏻🙏🏻🙏🏻
👉 રચના નંબર - ૩
શીર્ષક : ક્યાંથી હોય ?
જિંદગીના દરિયામાં, મોજાઓની આવનજાવનમાં,
વીતેલી જિંદગીની જવાની ક્યાંથી હોય?
શ્વાસને શ્વસતો રાખી શૂન્યવકાશમાં,
અંધકારમાં સોનેરી કિરણો કયાંથી હોય?
ખરી પડ્યું છે પાન લીલું આ જગતનાં ઉપવનમાં,
આંસુઓથી લજવાતી ભીંનાશ કયાંથી હોય?
કુદરતની ઘટમાળમાં, ક્યાંક ટાઢ, તડકો ને વરસાદી હેલીમાં,
સમય ચક્રને અટકાવાતી આહટ ક્યાંથી હોય?
મારાં ને તમારા અનેક આવન જાવનમાં,
દિલમાં શણગારાતી આત્માનો અજવાસ ક્યાંથી હોય?
હું મૂરખ છું છતાં પણ શોધું તને આ સંસારનાં ઉપવનમાં,
ખાલી પ્રયાસ છે મારો આશ્વત કયાંથી હોય?
રણમાં રહેલાં ક્યાંક ક્યાંક આ મૃગજળમાં,
આખી જિંદગીની વેઠાતી તરસ કયાંથી હોય?
મેં તો આવકારી અનેક ક્ષણોને મારા પટારામાં,
પણ તેમાં જીવનનું વણ લખ્યું પાસું કયાંથી હોય?
સ્તબ્ધ કરી જીવન લહેરાવતું આ અગમ્ય સંસારમાં,
પ્રજ્વલિત આત્માના ઉજાગર નું એંધાણ કયાંથી હોય?
"સખી" આ પ્રયત્ન છે સઘળો જિંદગીના મુકામનો,
જિંદગીને વલોવાતી આગની જ્વાળાઓ ક્યાંથી હોય?
રેખા પટેલ "સખી",
માંજલપુર,
વડોદરા.
રચના નંબર - ૪
શીર્ષક : આનંદની હેલી
➖ ➖ ➖ ➖ ➖
પ્રકાર : ચિત્ર પરથી લાંબી વાર્તા
કેતનનને કેતકી એક જ કોલેજમાં અને એક જ વર્ગમાં ભણતાં. એક દિવસ અચાનક જ તેમની ઓળખાણ તેની સહેલીએ કરાવી અને મીત્રતા બંધાઈ ગઈ. દરેક સ્થળે સાથે ને સાથે ફરવા લાગ્યાં. રોજ ભણવાથી માંડીને દરેક વાતો કરે. તેમને એકબીજા વગર ચાલતું ન હતું. એક દિવસ પણ ન મળે તો બેચેન બની જતાં. વાયદાઓ આપે તે સુધી કલાકોનાં કલાકો સુધી રાહ જોવાની તેમની તૈયારી હતી. લાગણીઓના કારોબારમાં મૈત્રીના સંબંધને પવિત્ર પ્રેમનાં સંબંધમાં ક્યારે પલટાયો તે ખબર ન પડી. આ તેમનો આકર્ષણ વાળો પ્રેમ નહીં પણ સાચને ટકોરે ઘડાયેલો પ્રેમ હતો. તેઓ દિલથી એકબીજાને ખૂબજ ચાહતા હતાં. એકબીજાને માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતાં.
આખરે એક દિવસ કેતને કેતકી આગળ પોતાના પ્રેમનો એકરાર કર્યો. જે મસ્તક કોઈની આગળ ન જૂકે તે તેણે કેતકી આગળ ઝૂકાવી દીધું. કેતકી ખૂબજ 6ભાવવિભોર બની ગઈ અને તેનાં બે હાથ પકડીને પોતાના દિલની તેજ ધડકનો ઉપર મૂકી દીધાં અને તેનો સ્વીકાર કર્યો. હવે તેઓ કલ્પનાની પાંખે ઉડવા લાગ્યાં. આસમાનમાં પંખીઓની જેમ વિહરવા લાગ્યાં. જ્યાં જુઓ ત્યાં એમની જ ચર્ચાઓ થતી હતી.
બન્ને જણે પોતપોતાના માબાપને વાત કરી. એકબીજાનો પરિચય પણ કરાવ્યો. એકવાર બધાં મળ્યાં પણ ખરાં. બધું જ યોગ્ય લાગ્યું એટલે એ સંબંધને મંજૂરી આપી. આ સાથે બન્ને કુટુંબ પણ વેવાઈના સંબંધે જોડાયાં. સગાઈનો દિવસ પણ નક્કી કરી દીધો.
બન્ને જણાં પોતપોતાની રીતે પ્રસંગને ભવ્ય બનાવવા માટે ખૂબ તૈયારીઓ કરતાં હતાં. કોઈ કચાશ ન રહી જાય એ માટે તેઓ કોઈ બાંધછોડ કરવા તૈયાર ન હતાં. જરૂરી ખરીદી પણ થઈ ગઈ અને પાર્લરમાં જઈને મહેંદી પણ મૂકાવી દીધી. સગાઈને દિવસે તેની સહેલી સાથે પાર્લરમાં તૈયાર થવાં ગઈ. રૂપ તો એવું કે ઈંન્દ્રની અપ્સરા પણ તેની આગળ પાણી ભરે તો પણ નિખાર તો લાવવો પડેને?
*****કેતનનો ફોન આવ્યો, "પ્રિયે બધું તૈયાર છે ને? હું રાહ જોઈ રહ્યો છું." કેતકી કહે, "હા પ્રિતમ, બસ હવે ઘેર પહોંચીને બધાં સાથે નીકળી રહી છું. મારું સ્વાગત કરવા તૈયાર રહેજે." કેતન, "તારું સ્વાગત તો મારા દિલોદિમાગમાં થઈ ગયું છે છતાં તારી નજરથી નજર મેળવી તેનાં જામ પીવા હું આતુર છું.
કેતકી તેની સહેલી સાથે નીકળીને એક્ટિવા પર બેસી પાર્લરથી ઘેર જવાં નીકળે છે. રોંગ સાઈડ પરથી એક કાર પૂર ઝડપે આવે છે ને એક્ટિવાને ટક્કર મારી જતી રહે છે. કેતકી જેવી પડી એવીજ બેભાન થઈ જાય છે. એની સહેલીને પણ ઘણી ઈજા થાય છે. તે ભેગાં થયેલાં લોકો પાસે મદદ માંગે છે અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય છે.
તેની સહેલી કેતકીનાં ફોનમાંથી કેતન અને મમ્મી પપ્પા ને ફોન કરી જણાવે છે. તેઓ બધાં રઘવાયા બનીને હોસ્પિટલમાં દોડી આવે છે. કેતકીની સારવાર ચાલે છે. તે ભાનમાં આવતી નથી. કેતને ડોક્ટરને પૂછ્યું, "તે સારી તો થઈ જશેને?" ડોક્ટરે કહ્યું, "કંઈ કહેવાય નહીં. તે ભાનમાં આવે પછી ખબર પડે". તેનાં બીજાં રિપોર્ટસ પણ કઢાવે છે. એક્ષરે પણ પાડે છે. તેનું સીટીસ્કેન અને એમ આર આઈ પણ કરાવે છે. એકબાજુ મલ્ટિપલ ફેક્ચર અને મગજમાં હેમરેજ બતાવે છે. મૂઢ મારને કારણે મગજમાં નસમાંથી લોહી નીકળે છે. સઘન સારવાર ચાલે છે. જો દવાથી બંધ ન થાય તો ઓપરેશન કરવું પડશે એવું જણાવે છે. તે ભાનમાં આવતી નથી. છેવટે ઓપરેશન કરી હેમરેજ દૂર કરાય છે અને તે ભાનમાં આવે તેની રાહ જોવાય છે. આટલાં સમયમાં તો જિંદગી યુગો જેટલી લાગી રહી છે. સૌ કોઈ બેચેન છે.
૭૨ કલાક વીતી જાય છે. બધાની નજર તેના પર જડાઈ ગઈ છે. તે ધીરે ધીરે ભાનમાં આવતી જણાય છે. આંખો ખોલે છે પણ તેમાં પારાવાર પીડા હોય છે. આંખમાં આંસુ સાથે હાથની મહેંદી જુએ છે. સીસ્ટર દોડીને ડોક્ટરને બોલાવે છે. તેને તપાસે છે. બહાર આવીને બધાંને શુભ સમાચાર આપે છે કે, "કેતકી ભાનમાં આવી ગઈ છે પણ ફેકચરને લીધે તેને સારું થતાં વાર લાગશે. સંપૂર્ણ બેડ રેસ્ટ આપવો. કોઈ ચિંતા કરવા જેવું નથી. વારાફરથી બધાં તેને મળી શકશો પણ તેના મગજને કોઈ નુકસાન થાય એવી કોઈ વાત ના કરશો. તેને આનંદમાં રાખવાનો પ્રયાસ કરજો જેથી તમારા બધાની હૂંફથી તે જલ્દી સારી થઈ જશે."
******સૌથી પહેલાં તેનાં મા બાપ મળીને આવે છે. કેતન મળવા જાય છે. તેની આંખમાં આંસુ આવે છે તે બોલવા જાય છે પણ બોલાવું નથી. અશક્તિ બહુ છે. કેતન તેના દિલની વાત સમજી જાય છે. તેના આંસુ લૂંછીને કહે," આપણે તો જીવનભર સાથે રહેવાનાં સૌગંદ ખાધાં છે. એમ તને થોડી જવા દેવાય? જિંદગીની સફરમાં આવું તો ચાલ્યાં કરે. આ વાતને વીસરી જઈને આપણે આપણી જિંદગી શરું કરવાની છે તો તૈયાર થૈજા કેતકી. તને સગાઈની વીંટી હું અહીં પહેરાવીશ". કેતન કેટલીય દલીલ કરી ડોક્ટરને મનાવે છે. તેના માબાપ તો આ વાત સાંભળી હર્ષ ઘેલાં થઈ જાય છે. સીસ્ટરો ભેગી થઈ તેના પલંગની આજુબાજુ શણગારે છે. ફૂલોની મહેકથી રૂમ મહેકાઈ જાય છે. ડોક્ટર ખૂદ હાજર રહે છે. કેતનનાં મનોબળ આગળ આજે સાયન્સ લાચાર છે. આનંદની હેલી વરસે છે. બધાં એમાં તરબોળ છે. સૂરજનાં આછા કિરણો સાક્ષી પૂરાવે છે અને તાળીઓના ગડગડાટ વચ્ચે કેતન કેતકીને વીંટી પહેરાવે છે. તેઓ સમાજને એકજ સંદેશ આપે છે જો આજ અકસ્માત લગ્ન પછી થયો હોત તો તેને છોડી દેત? ના, આ દયા નથી આ તો લાગણીઓનો વરસાદ છે. આ જ તો અતૂટ પ્રેમ છે જે એમને જિંદગીભર બાંધી રાખે છે.
રેખા પટેલ "સખી",
માંજલપુર,
👉 રચના નંબર - ૫
આજે ગગનમાં મેઘાડંબર બરાબર છવાયો છે. પડું પડું થતો વરસાદ રાહ જોવડાવીને ધોધમાર વરસી પડ્યો. ગામડાઓમાં જ્યાં વધારે ખેતી થતી ત્યાં રાવજીભાઈનો આનંદ છૂપો ન રહ્યો. તેઓ જળધારાઓમાં ભીંજાઈને નવપલ્લીત થયેલી ગર્ભવતી વસુંધરાના કૂખમાં બીજની વાવણી કરવા હળ અને બળદો લઈને ખેતરે પહોંચ્યાં.
ઓણસાલ જો સારો વરસાદ પડે તો મારી દિકરી રૂપાનું આણું રંગેચંગે કરવું છે એમ રાવજીભાઈનો વિચાર હતો. ખૂબ મહેનત કરીને ભગવાનનું નામ લઈ તેમણે વાવણી શરૂ કરી.
કુદરત પણ મહેરબાન હોય અને ખેડૂતની આપવીતી સાંભળીને મન મૂકીને વરસી પડ્યો. બીજનો ધરતીની કૂખમાંથી પ્રસવ થયો ને અંકૂરનો જન્મ થયો. ધીરે ધીરે છોડ થયાં અને ખેતરોમાં લહેરાવાં લાગ્યાં.
રૂપા તો પોતાના સાયબાને મળવા પોતાની જવાની સાચવીને બેઠી હતી. આંખોમાં સપનાઓનાં વાવેતર તેણે કર્યા હતાં. લીલી ઓઢણી પહેરી ગામની સીમમાં ને વન વગડામાં પોતાના અવાજ દ્વારા પિયુને સંદેશો પહોંચાડતી હતી. "ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે". વિધાતાની આ લીલાને કોણ જાણી શક્યું છે?
આવાજ એક ગોજારા દિવસે તે લાકડાનો ભારો લઈને આવતી હતી ત્યારે તેને એકલી આવતી જોઈ ગામનો ઉતાર માણેક પાછળથી પકડીને તેને નીચે પાડી તેના પર બળાત્કાર કરવા લાગ્યો. વનવગડો સૂમસામ હતો. કોઈ તેની મદદે આવી શકે તે નહતું. કેટલીય ચીસો પાડી પણ તેનો અવાજ એ ઉતાર માણેકનાં અટ્ટહાસ્યમાં દબાઈ જતો હતો. આખરે ન બનવાનું બની ગયું અને કોડભરી યુવતીનું યૌવન પીંખાય ગયું.
ગામનો એક માણસ વગડેથી નીકળ્યો ત્યારે તેને એ બનાવની જાણ થઈ. રૂપા વેદનામાં કણસતી હતી. તેના થોડા શ્વાસો બાકી હતા. તેના ને તેનાં બાપૂનાં સપના નંદવાયા હતાં. તે હૈયું ફાટી જાય એવું આક્રંદ કરતી હતી. એ માણસે ગામમાં જઈને રાવજીભાઈને ખબર આપી. તેઓ હૈયાને સંભળાતાં ઉછળતાં શ્વાસે દોડતાં આવ્યાં. ત્યાં સુધીમાં રૂપાએ દેહ છોડી દીધો. રાવજીભાઈ તેને વળગીને હૈયાફાટ રૂદન કરવા લાગ્યાં અને બોલ્યાં, "બેટા વાવણી મેં કરી પણ લણણી થાય ત્યાં સુધી તેં રાહ જોઈ નહીં અને તું ગામતરે ચાલી નીકળી. આ બાપને ડોલીની જગ્યાએ તને ખભે ઉપાડી સ્મશાન પહોંચાડવાનો વખત આવ્યો ને હું તારી કોઈ મદદ ન કરી શક્યો. મને માફ કરજે બેટા." આટલું બોલી અપલક નજરે એ અભાગીની આંખો ફરી વરસી પડી.
અસ્તુ.
રેખા પટેલ" સખી ",
માંજલપુર,
વડોદરા.
https://laganinorangmnch.blogspot.com/2020/06/blog-post_55.html




