શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.
અવની ઉપર ઉતરી આવ્યાં,
આ વાદળો શેના?
એ તો જાણે સપનાનાં,
તરંગો ચગ્યા આકાશે.
શ્યામ રંગ ને વળી,
વચ્ચે શોભતો કેસુંબલ રંગ,
દેખાય રવિથી ઓપતાં,
તેજ કિરણ.
નીત નવી સૃષ્ટિ રચાય,
મન કહે સપનાને,
શાને તું સર્જાય તૂટવાને?
આ વાદળીઓ વરસીને ચાલી જાય,
આ કેસુંબલ રંગ જોને,
સંધ્યાનાં પાલવમાં છૂપાય.
સપનાની તરંગી સૃષ્ટિ,
વાસ્તવિકમાં સર્જાય.
રચાવી મહેલો સપના તણાં,
કદી ન થાય પૂરા.
શાને કાજે કરતો હશે મનુજ,
આવા દિવ્ય સપનાઓ?
જે આવી આવીને ચાલી જાય,
અને ક્યારેક ગમનાં સાગરમાં,
ડૂબાડી જાય.
ના..... ના..... શું કરવો,
ભંડાર આ સપના તણો?
થાત જો કદીય પૂરું એક સપનું,
રચેલ આ સૃષ્ટિ વિધાતાની,
ન કદી હોત તેમાં,
ગમ, વિરહ અને તડપન,
જલતી શમાની આહ,
જેમાં બની દિવાના,
બનાવી ખંડેર,
દિલની લાગણીઓને,
અને બૂઝાવે શમાને.
રેખા પટેલ "સખી",
માંજલપુર,
વડોદરા.
👉 રચના નંબર - ૨
વાર્તા : રંગ મહેલ
રીના અને રીતેશ બાળપણથી જ સાથે ઉછરેલાં અને મોટા થયેલાં. ઘર ઘર રમતાં, ઢીંગલા ઢીંગલીના લગ્ન કરતાં તેઓ ક્યારે મોટા થઈ ગયાં એ ખબર જ ન પડી. છતાં બાળ સહજ મસ્તી અને તોફાનો તેમને ગમતાં. સાથે ને સાથે રહીને તેઓ પોતાની દુનિયામાં ખોવાઈ જતાં. પરીલોકની જેમ તેમની દુનિયા અલગ જ હતી. ઉંચી ઉડાન હતી. સાથ પામવા માટે એકબીજાની મંજૂરી હતી. તેઓ ક્યારે મોટા થઈને પવિત્ર મૈત્રીભાવમાં બંધાઈ ગયાં અને સમય સરતો ગયો.
કોલેજમાં અભ્યાસ દરમિયાન પણ તેઓ એકબીજાને મળતાં રહ્યાં. મીત્રતાને પ્રેમનાં બાહુપાશમાં સમાવવાનો વખત આવી પહોંચ્યો ત્યારેજ રીનાનાં પપ્પાની બદલી છેક આસામ થઈ. તેઓ આસામ જવાની તૈયારી કરવા લાગ્યાં. રીનાએ તેનાં પપ્પાને બહુ કહ્યું કે "હું હોસ્ટેલમાં રહીને ભણીશ પણ મારું ભણતર પૂરું કરવા દો". એ છોકરી હતી એટલે એના મમ્મી અને પપ્પા માન્યા નહીં અને તેને સાથે લઈ ગયાં. બન્ને જણાં વિરહની આગમાં શેકાવા લાગ્યાં. ધીમે ધીમે એકબીજાને સંદેશા પણ મળતાં બંધ થયાં. રીતેશ તેની યાદોની મહેફિલમાં રીનાને સમાવતો રહ્યો અને જિંદગી જીવતો રહ્યો. તેની જિંદગી રંગ વગરની હતી. જીવતી લાશ બનીને ફરતો હતો.
રીનાનું ભણતર પૂરું થયું. એના જ સમાજનો મોભાદાર યુવક મનીષ સાથે તેનાં લગ્ન લેવાયાં. રીના તેની બાળપણની યાદોને દિલનાં ઝરૂખાએ કેદ કરીને સાસરે આવી.
હજી સુહાગરાતનો ઉજાગરો આંખોમાં રતાશ બતાડતો હતો. મહેંદીનો રંગ પણ ઊતર્યો ન હતો. અચાનક જ તેને ર્હદયરોગનો એટેક આવ્યો. આ પહેલો જ સીવીયર એટેક એટલો જોરદાર હતો કે તે કોઈને કંઈ કહે એ પહેલાં જ મરણ પામ્યો. રીનાનાં હાથની મહેંદી, ચૂડીઓ પોકારી પોકારીને કહેવા લાગી, "તારા સુહાગની સાથે અમને પણ વિદાય આપી દે". આમ તે શણગાર ઉતારી વિધવાનો વેશ પહેરી સફેદ રંગ અપનાવે છે. આ જ જીવનનું નસીબ છે એમ માનીને કોઈ પણ ઉમંગ વગર જિંદગી જીવે છે,
"ના કોઈ ઉમંગ હૈ,
ના કોઈ તરંગ હૈ,
મેરી જિંદગી,
એક કટીપતંગ હૈ".
રીનાનાં સાસુ સસરા આંસુભરી આંખે એક કોડિલી યુવતીને ભરયુવાનીમાં મરી મરીને જીવતી જોઈ રહ્યાં. તેઓ તેને જોઈને મણમણનાં નિઃસાસા નાખતાં. તેનું મન લાગે એટલા માટે તેને પિયર જવાનું પણ કહે છે પણ રીના ના પાડી કહે," હું તમારો દિકરો બનીને જીવીશ. એમનાં ગયાં પછી તમે મારી જવાબદારી છો એ હું પ્રેમ પૂર્વક નિભાવીશ. મારા ભણતરને કારણે મને નોકરી મળી જશે તમે ચિંતા ન કરતાં".
રીના ઘર અને નોકરી તેમજ સાસુ સસરાને સંભાળતા સંભાળતા એક સ્થાયી મુકામ પર પહોંચી હતી. સરકારી નોકરી હોવાથી જ્યાં પણ બદલી થાય ત્યાં તેઓને લઈ જતી. તેઓ તેને કહેતાં," એક સગી દીકરી પણ ન કરે એટલી તું અમારી સેવા કરે છે. ભગવાન તને સુખી રાખે. બેટા, અમારું માનીને તું તને ગમતી વ્યક્તિ અમને બતાવીશ તો અમે તારું લગ્ન કરાવી આપીશું. અમે તો ખર્યુ પાન કહેવાઈએ. તને સુખી જોઈને અમારી આંતરડી ઠરશે".
એક દિવસ અચાનક રીતેશ કોઈ કારણસર રીનાની ઓફિસમાં આવે છે. પહેલા તો તેને ખૂબ આશ્ચર્ય થાય છે. તેને જોઈને યાદો તાજી થાય છે પછી તરત કહે," રીના, આ શું હાલત બનાવી છે? તારી જિંદગીની સાદગી મને ખૂંચી રહી છે જે બન્યું હોય તે કહી દે". રીના કહે," પહેલાં તારા પરિવાર વિશે કહે. લગ્ન કર્યા કે નહીં? તારી પત્ની શું કરે છે? તારા બાળકો વિશે કહે. તું સુખી તો છે ને?". રીતેશ કહે , "ના, તારા ગયાં પછી મારી જિંદગીમાં દુઃખનું ચોમાસું શરૂં થયું તે હજી એવું જ છે. તેમાં ખાલી સમય જ પસાર થયો છે પણ દિલની હાલત તું જેવી છોડીને ગઈ હતી એવી જ છે. દિલનાં દરિયામાં લાગણીઓની ભરતી આવ્યાં પછી ઓટ હું સહન કરી શક્યો નહીં. જિંદગીને જીવ્યો પણ તારા વિરહમાં હજી લગ્ન નથી કર્યા. કરવાનો ઈરાદો પણ નથી".
રીના તેની જિંદગીની સઘળી હકીકત સંભળાવે છે. બન્નેની આંખે ભરપૂર ચોમાસું બેસે છે. એકબીજાનાં દુઃખે દુઃખી થવા સર્જાયા હોય તેમ નસીબને વિધાતાના લેખ માનીને સ્વીકારી હવે પછી શું?
એમ વિચારે છે.
સમય જતાં તેના સાસુ સસરાને આ વાત ખબર પડે છે. પહેલા તેઓ રીનાને સમજાવે છે. તે મહામહેનતે માને છે. રીતેશને પણ એક પુત્રની જેમ ગણીને રીના સાથે લગ્ન કરવા સમજાવે છે. આંખોએ આવેલી ભીંનાશને અંજલિ આપી રીના સાસુ સસરાને સાથે રહેવા આવો તો જ લગ્ન કરું એમ સમજાવે છે અને રીતેશ પણ ખૂબ રાજી થઈ જાય છે.
લગ્ન તો તેમના સાદાઈથી થઈ ગયાં. રીતેશના મનમાં પોતાનાં ઘરને રંગમહેલ બનાવીને દિલની રાણીને એમાં વસવાના કોડ સાથે રીનાને રંગમહેલ બતાવે છે. ચારેબાજુ રીનાનાં અલગ અલગ પોઝ નાં સુંદર ફોટાઓ લગાડ્યાં હોય છે. દિવડાઓથી શણગાર્યો હોય છે અને આગળ જઈને રીનાને પ્રેમ પૂજારણ બનાવી આવકારે છે. પહેલું પગલું પડતાં જ રંગમહેલ લાલરંગથી ઝળકી ઉઠે છે અને સાથે સ્નેહનો રંગ પણ ભળી જાય છે. લાગણીઓની ભરતી સાથે તેમનું સહજીવનની શુભ શરૂઆત થાય છે.
રેખા પટેલ "સખી",
માંજલપુર,
વડોદરા.
👉 રચના નંબર - ૩
ગુરુ
પડી છું હું અંધારા કુવામાં, જ્ઞાનનું કિરણ ક્યાંથી હોય?
ગુરુ વિના કોણ ઉગારે મને, મનનું નિરાકરણ ક્યાંથી હોય?
આ જગતમાં વિકલ્પો માયાના, તેમાં ખોવાઈ જઈને,
મારું તારું ગણતાં, મનને આશ્વાસન ક્યાંથી હોય?
મને મળ્યું છે જીવનમાં અનેક ગણું, મૃગજળ જેવું,
મિટાવવાની તરસને જોતાં, ગંગાના નીર ક્યાંથી હોય?
મારા અનેક જીવનનું કારણ બન્યું છે આ જીવન,
ભવની ભાવટને ભાંગવા, ગુરુનાં વચનામૃત ક્યાંથી હોય?
જ્યારે હાથ ઉઠે છે મારા, અંતર્યામીને પ્રાર્થના કરવા,
અંતરમનનાં ઉજાગરમાં, સોનેરી કિરણોની આવન- જાવન ક્યાંથી હોય?
મેં તો ખેડ્યો છે, ઉજાગર કરતો મારા આત્માનો પ્રવાસ,
શોધું તેમાં જીવનની ઝરમરના વલયો, તેમાં આનંદ ક્યાંથી હોય?
જ્યારે પામું હું મારા ગુરુચરણનાં અમુલ્ય સ્પર્શને,
જીવનમાં વ્યાપ્ત ઘોર અંધકારનું સામ્રાજ્ય ક્યાંથી હોય?
આઓ, ગુરુજી પધારો, મારા ચિદાકાશના આસન પર,
આપના સાન્નિધ્યમાં થતી ચિત વૃત્તિમાં, માયાનું આવરણ ક્યાંથી હોય?
અર્પણ કરું છું મારી આ અનુભૂતિ ની અભિવ્યક્તિને,
"સખી" આનંદ સાગરમાં હિલોળા લેતી ચિત વૃત્તિ ને અવકાશ ક્યાંથી હોય?
રેખા પટેલ "સખી",
માંજલપુર,
વડોદરા.
9879547030.



Comments
Post a Comment