તા :- ૧૭/૭/૨૦૨૦ (શુક્રવાર ) શીર્ષક : મા લક્ષ્મી ✍️ મૈત્રી ઉપાધ્યાય "મિત્રા" અમદાવાદ ✍️
સીમા ખૂબ જ ધાર્મિક વૃત્તિની સ્ત્રી હતી.તેનો પતિ રાકેશ પણ તેટલો જ ધાર્મિક વૃત્તિનો અને સુશીલ હતો. પણ સીમાના જીવનમાં સંતાનસુખ નહોતું.ખૂબ જ દવાઓ કરી છતાં પણ કોઈ પરિણામ મળ્યું નહોતું.છેવટે સીમાને એક જ માર્ગ દેખાયો.તેણે સાંભળ્યું હતું કે,"મા લક્ષ્મી પોતાના ભક્તોના દરેક સંકટ દૂર કરે છે".તેણે પણ મા લક્ષ્મીના અગિયાર શુક્રવારની માનતા માની અને ખૂબ જ શ્રદ્ધાથી વ્રત કર્યું.
મા લક્ષ્મી તેની ભક્તિથી પ્રસન્ન તો થયા પરંતુ તે પોતાના ભક્તની પરીક્ષા કરવા માંગતા હતા.એક દિવસ મા લક્ષ્મી નાની ગરીબ બાળકીનું સ્વરૂપ ધારણ કરીને સીમાના ઘરના દરવાજે આવી ઊભા રહ્યાં.તેમણે સીમાને કહ્યું ,"બહેન મને કંઈક ખાવા માટે આપો.હું ખૂબ જ દુઃખી છું.ચાર-પાંચ દિવસથી મને કંઈ જ ખાવા મળ્યું નથી". ભગવાન તમારું ભલું કરશે સીમાને આ બાળકીને જોઈ ખૂબ જ દયા આવી ગઈ અને સીમાએ તેને સૌથી પહેલાં તો સારા કપડાં આપ્યાં અને ત્યારબાદ ગરમ ભોજન જમાડ્યું.તેને અમુક પૈસા પણ આપ્યા.સીમાના આ વર્તનથી મા લક્ષ્મી ખુબ જ ખુશ થયાં અને તેમણે પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરીને સીમાને દર્શન આપ્યા.તેમણે કહ્યું, "બેટા તું ખરેખર મારી સાચી ભક્ત છે.આજે તારીપરીક્ષા કરવા માટે હું આવી હતી અને તું તારી પરીક્ષામાં સફળ થઇ છે".ટૂંક સમયમાં જ સીમાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો.લક્ષ્મીમાની કૃપાથી સીમા અને તેના પતિનું જીવન ખુશીઓથી ભરપૂર થઈ ગયું.
મૈત્રી ઉપાધ્યાય
અમદાવાદ
👉 રચના નંબર - ૨
દર્પણ
દર્પણ એટલે "અરિસો".એવી વસ્તુ કે જે આપણું સાચું વ્યક્તિત્વ આપણને દર્શાવે છે. આપણને આપણો સુંદર ચહેરો દર્પણમાં જુઓ ખૂબ જ ગમે છે.ખરેખર આ દર્પણ ચહેરાની સાથે આપણા મનમાં રહેલું આપણું વ્યક્તિત્વ પણ એટલું જ દર્શાવે છે.ક્યારેક દર્પણની સામે ઊભા રહીને પોતાના વ્યક્તિત્વને નિહાળો. પોતાની અંદર રહેલી ખામીઓ અને આવડતને જુઓ.કોઈ વ્યક્તિ આ બાબતો દર્શાવે કે ન દર્શાવે પણ આ દર્પણ જરૂર દર્શાવી દે છે.પોતાના વ્યક્તિત્વને જો ખરેખર નિહાળવું હોય અને ખરેખર નિખારવું હોય તો આ દર્પણ જ એકમાત્ર એવી વસ્તુ છે કે જે આપણા જીવનમાં સુધારો લાવી શકે છે.
"જીવનમાં એક મિત્ર હોય દર્પણ સરખો,
બની જાય જીવન ધન્ય ".
મૈત્રી ઉપાધ્યાય "મિત્રા"
અમદાવાદ
👉 રચના નંબર - ૩
શીર્ષક: પ્રેમ
પ્રેમ.. એક અદભૂત અનુભૂતિ."કોઈની સાથે ક્યારેય પણ ન તૂટે તેવા લાગણીની માળામાં મણકા સ્વરૂપે બંધાવવાની ભાવના".પણ ખરેખર પ્રેમ એટલે શું? બસ કોઈને પામવુ કે કોઈના થઈ જવું? ના, ખરેખર પ્રેમ એટલે 'ત્યાગ'.
"કોઈના માટે 'સ્વ'નો ત્યાગ કરી એ 'સ્વ' ને કોઈની પર ન્યોછાવર કરી દેવું". ખરેખર તે પ્રેમની સાચી પરિભાષા છે. રીસાવું- મનાવવું એ તો પ્રેમને તરોતાજા રાખે છે,તે પ્રેમમાં વધારો કરે છે તેમ કહીએ તો પણ ચાલે. જેમ રાધાની રીસ દૂર કરવા કૃષ્ણ વાંસળી વગાડીને તેમને મનાવતા.એ અનોખી ભાવના છે એક પ્રેમની.
શું પ્રિયજન સાથે સતત રહીએ તો જ પ્રેમ વધે?તો જ કહી શકાય કે સાચો પ્રેમ છે? ના,ખરેખર પ્રેમનું બીજી ઓળખ જ 'વિરહ' છે.પોતાના પ્રિયજનથી દૂર થઈને પણ સતત એની જ લાગણી અને તેના જ વિચારો એ ખરો પ્રેમ છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે, રાધા અને રૂકિમણી.રાધા કૃષ્ણ સાથે ન હોવા છતાં સતત તેમની સુખ-દુ:ખની લાગણી અનુભવી શકતા,જ્યારે રૂકિમણી કૃષ્ણની સાથે હોવા છતાં તેમની લીલાને સમજી શકતા નહોતા.
પ્રેમની સાચી પરીક્ષા જ વિરહમાં છે. પ્રેમમાં એકબીજાનું માન-સમ્માન ખૂબ જરૂરી છે.
"આદર વગરનો પ્રેમ પાંખ વગરના પંખી જેવો છે".
"આંખથી આંખ મળે તો પ્રેમ થાય,
મનથી મન મળે ત્યારે પ્રેમ સચવાય".
મૈત્રી ઉપાધ્યાય
અમદાવાદ



Comments
Post a Comment