દીપમાળા ✍️ - આચાર્ય જ્યોતિ અમદાવાદ
ચોતરફ છે પ્રભુ આ પ્રાર્થનાના નામે,
હું અને તું જુદાં આ કોરોનાના કામે.
અસહ્ય થયાં દર્દો આ વાયરસના કાજે,
મૂકી દીધી દીપમાળા આ સેવકો ના લાજે.
લટકે છે માણસ રોજ દર્દોની ડાળે,
પ્રગટાવી દીપમાળા આજ જીવનના ઢાળે.
રહે તરબતર ઝંખના આ દર્દોની ભીનાશમાં,
પ્રસરાવી એકતા આ દીપમાળાની આડશમાં.
દીવા પ્રગટાવી વિનવ્યો જગતના તાતને,
જીવન 'જ્યોત' રૂપી દીપમાળાઓ જલતી રાખને.
--- જ્યોતિ આચાર્ય
અમદાવાદ
👉 રચના નંબર - ૨
જિંદગી પર મ્હોવું
જિંદગી પર મ્હોવું
પ્રપંચને હું ચોતરફથી જોઉં છું.
ને પછી આંખો મીચું છું,રોઉં છું...!
ના જાણે કેમ ચારેકોરથી
ભીંસનો અનુભવ કરતી હોઉં છું...!
આટલી મળી, મળે તો પણ હજુ,
વેદનાઓ સત્કારતી કેમ જાઉં છું...?
અશ્રુ ઊભરે બે-ચાર જમણી આંખમાં,
ને ડાબી આંખ શીદને લ્હોઉં છું...?
જે બધું વર્ષોને અંતે સાંપડ્યું ,
તે આમ સહજ શામાટે ખોઉં છું...?
કોઈ પણ મળ્યું નથી, ના મળશે,
તોય નિત્યે રાહ કોની જોઉં છું...?
કંઈક બનશે અવનવું એ આશથી,
જિંદગી પર "જ્યોતિ"અમસ્તી શું મ્હોઉં છું...?
--- જ્યોતિ આચાર્ય ( અમદાવાદ )
👉 રચના નંબર - ૩ ⬇️
ચાલને એકવાર મળીને અનેરું નસીબ અજમાવીએ,
મૂરઝાયેલાં દિલમાં કૂણી લાગણીઓ જન્માવીએ,
તું મૂકી આવ અહમ, ને હું મૂકી આવું વહેમ,
ફરીથી જિંદગીને પ્રેમની પુષ્ટિ કરાવીએ.
હૂંસા-તૂસીનાં કવચ-કુંડળ ઉતારી ફેંકીએ,
ને નસીબ આડે જમાવેલી ધૂળને ખંખેરીએ,
જીવનનાં મીઠાં સંભારણાંઓને ગળે લગાડીને,
ફરીથી જિંદગીને પ્રેમની પુષ્ટિ કરાવીએ.
અહમે ઉઠેલી આ ધૂમાડાની સેરમાં નફરતને વળાવીએ,
આથમતી સંધ્યાની ઘેરી રતાશમાં ઝંખનાની આશ જગાવીએ,
ચાલને જીવન નૈયાને નવાં વહેણરૂપે વહાવીએ,
ફરીથી જિંદગીને પ્રેમની પુષ્ટિ કરાવીએ.
જ્યોતિ આચાર્ય ( અમદાવાદ )
👉 રચના નંબર - ૪
જીવનની બે યાદગાર વિરોધાભાસ પળો:-
જેને સુખદ યાદ રાખવી કે દુઃખદ...
"મા"નું સ્વર્ગ-ગમન દરેકને માટે દુઃખદ જ હોય. એમાંય એવા સમયે કે માની જવાની ઉંમર ના હોય અને સંતાનોને માના સહારાની ખૂબ જ આવશ્યકતા હોય...
પરંતુ કાળની ગતિ આગળ કોનું ચાલ્યું છે. હરિ ઈચ્છા બળવાન...🙏
આ સમયે મારું મારા વર્ગખંડમાં જવું બેહદ અકલ્પનીય રહ્યું.સામાજિક વિધિની રજાઓ પૂરી કરી શાળામાં મારા વર્ગખંડમાં ગઈ.નીરવ શાંતિ,શોર-બકોર કરતાં બાળકો સાવ ચૂપ.કોઈ મારી સામે જુએ પણ નહીં.ચૂપચાપ ભણાવવાનું પૂરું કરું ત્યાં તો ધીમા ડૂસકાં સંભળાવા લાગે. શું બોલવું સમજાય નહીં અને નીકળી જાઉં. અવિરત બે-ત્રણ દિવસ આ રીતે પસાર કર્યાં. પછી મેં જ હિમ્મત કરી શરૂઆત કરી. જુઓ, બચ્ચો કુદરતનો આ ઘટનાક્રમ છે.બધાંના જીવનમાં આવી પરિસ્થિતિ આવે.હું સ્વસ્થ થઈને તમને ભણાવું છું ને...!!!
ત્યાં જ આટલાં દિવસોથી દબાયેલાં લાગણીસભર, રડમસ અવાજોમાંથી એક અવાજ આવ્યો...મૅ'મ અમને દેખાય છે તમારા ચહેરા પરની ખોટી સ્થિરતા, તમારા અંદરની વેદના. અમે ભલે તમારી મા નથી જોઈ,પણ તમને તો જોયાં છે ને...!!!
મા થી કમ નથી. હું તો આ સાંભળી ઢગલો જ થઈ ગઈ.મારા આ ઢગલાને મહામહેનતે સંકોરી.મને અને મારા બાળકોને સંભાળી વર્ગ બહાર નીકળી ગઈ....
સમજાયું નહીં કે બાળકોનાં આ નિઃસ્વાર્થ પ્રેમની ખુશી યાદ રાખું કે માના જવાનું દુઃખ....!!!
શાળામાં છેલ્લો મહીનો, કદાચ થોડાં દિવસો. 5 સપ્ટેમ્બર શિક્ષકદિન ખૂબ જ સરસ રીતે ઊજવ્યો. એ જ દિવસે મારા માટે કહેવાતાં ખુશીના સમાચાર કે મને Canadaના વિઝા મળી ગયા. હવે હું મારા દીકરા પાસે જઈ શકીશ.જે વર્ષોથી દૂર છે. પરંતુ મારા બાળકો.....?
બીજા દિવસે 6 સપ્ટેમ્બરે સૌ પ્રથમ મારા સહકર્મચારીઓને આ ખુશ ખબર આપ્યાં, તો ફ્ટ દેતો જવાબ મળ્યો, તમારા માટે ખુશ ખબર છે પણ ખોટું ના લગાડતાં અમને "ના ગમ્યું." પણ એમનો આ *"ના ગમ્યું"* શબ્દ મને બહુ ગમ્યો. આમ અમને છોડીને જતાં રહેશો.....!!!
ધીમે ધીમે બાળકોને જાણ થઈ. બાળકો ગંભીર બનવા લાગ્યાં. ફરીથી એ દિવસો યાદ આવી ગયાં. બાળકો બદલાઈ ગયાં હતાં પણ બાળકો તરફથી મળતો પ્રેમ એ જ હતો.જે વર્ગમાં જાઉં ત્યાં તમે ના જશોને ...!!! એમ કહી ગમગીની છવાઈ જાય. શોર-બકોર કરતાં બાળકો નીરવ શાંત. અમુક તો મારી સામું જુએ પણ નહીં. મોટાં ધોરણનાં બાળકો તો સમજદાર હોવાં છતાં તેમને છાનાં રાખવાં મુશ્કેલ થઈ પડ્યું. સંજોગવસાત આ જ દિવસે parents meeting. એક બાળકી કે જરા એબનોર્મલ તેનાં માતા-પિતા તો ખૂબ રડ્યા. બેન મારી દીકરી સારી થવા લાગી હતી ને......!!!
સાતમા-આઠમા ધોરણના બાળકો નાનાં પણ કેવી માસૂમ અને હકદાર એમની વાતો."તમારે જવું જરૂરી છે?", "તમારા દીકરાને કહો અહીં આવી જાય." "તમે જતાં રહેશો તો અમે શું કરીશું ?", "તમે વચન આપો કે દિવાળી કરીને પાછાં આવી જશો." તો જ અમે તમને "મોકલીએ". *મોકલીએ* આ હકદાર શબ્દ તો કાયમ મારા કાનમાં ગુંજતો રહેશે. આમ આવા અઢળક સવાલો અને એમનાં શાંત રુદને...મને ફરીથી હચમચાવી મૂકી.
કેવો નિર્વ્યાજ, નિઃસ્વાર્થ એટલો બધો પ્રેમ....? ધન્ય છે પ્રભુ તને....🙏
ફરીથી એ જ સવાલ - દીકરા સાથે રહેવા જવાની ખુશી યાદ રાખું કે આ નિઃસ્વાર્થ બાળકોનાં પ્રેમને છોડવાનું દુઃખ....!!!
- આચાર્ય જ્યોતિ
અમદાવાદ




Comments
Post a Comment