લઘુકથા - " શોર " ✍️ - જ્યોતિ આચાર્ય ( અમદાવાદ )
-: શોર :-
ઘરમાં ખૂબ શોર મચી રહ્યો હતો.મહેમાનોના સ્વાગતનો ,શરણાઈઓના સૂરનો ,લગ્નગીતોનો અને ચારે-કોર બાળકોના ઉલ્લાસનો શોર.ઘરની એકના એક દીકરી પ્રીતિના લગ્ન જો હતાં. પરંતુ પ્રીતિના દિલમાં તો કંઈક અકલ્પનીય જ ડર અને ચિંતાનો શોર મચી રહ્યો હતો.
પ્રીતિ અને પ્રીત કોલેજમાં સાથે ભણતાં. બંને ખૂબ હોશિયાર અને સમજદાર પણ હતાં. કોલેજનાં પહેલાં જ વર્ષથી બંને ગાઢ મિત્રો બન્યાં હતાં.એકબીજાંનો ખૂબ ખ્યાલ રાખતાં અને સારા માર્કસથી પાસ પણ થતાં. પ્રીતિ એક ગર્ભશ્રીમંત પરિવારની દીકરી હતી, જયારે પ્રીત સાધારણ પરિવારનો વિધવા માનો એકના એક દીકરો હતો.પ્રીતને નાનપણથી જ લશ્કરમાં જોડાઈ દેશ માટે કાંઈક કરી છૂટવાની તમન્ના હતી.પરંતુ પ્રીતને હંમેશા પોતાની માની ચિંતા રહ્યાં કરતી.એક બાજુ ભારતમાતા અને બીજી બાજું પોતાની માતા શું કરવું સમજી નહોતો શકતો.પ્રીતે પોતાની મૂંઝવણ પ્રીતિ સામે રજૂ કરી.પ્રીતિએ તો સહજતાથી ખુશી-ખુશી પ્રીતની માની જવાબદારી સ્વીકારી લીધી.ખૂબ મસ્તી મજાથી કોલેજકાળ પૂરો કર્યો.અંતે કોલેજ પૂરી થઈ છૂટાં પડવાનો સમય આવી ગયો.એ દિવસ કોલેજનો છેલ્લો દિવસ હતો.પ્રીતિ અને પ્રીત છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવવાના વચનથી બંધાઈને છૂટાં પડ્યાં.
હવે પ્રીતને પોતાની માતાની ચિંતા નહોતી માટે ખુશીથી લશ્કરમાં ભરતી થઈ ગયો.એનું સ્વપ્ન હતું કે દેશ માટે કાંઈક કરી છૂટવું, એ સાકાર કરવા ચાલ્યો ગયો.એક દિવસ પ્રીતિએ મોકો જોઈ પોતાની મા મામતાબેનને પ્રીત અને પોતાનાં પ્રેમની વાત કરી.પ્રીતિ માનતી હતી કે પિતા ધનરાજભાઈ આધુનિક વિચારધારાવાળા છે તો સમજી જશે અને બંનેના લગ્ન કરાવી આપશે.પરંતુ પ્રીતિની વાત સાંભળીને ધનરાજભાઈ તો ગુસ્સે થઈ ગયા.તાબડતોબ પ્રીતિ માટે તેમના જેવાં જ ગર્ભશ્રીમંત પરિવારનો છોકરો શોધવા લાગ્યા.પ્રીતિ કાંઈ સમજે-સમજાવે તે પહેલાં તો લગ્ન નક્કી કરી દીધાં. પ્રીતિ ધનરાજભાઈના નિર્ણય આગળ મજબૂર હતી.પ્રીત પણ હાજર નહોતો કહેવુંય કોને?
લગ્નનો દિવસ આવી ગયો.પ્રીતિ કાંઈ સમજી શકતી નહોતી.ઘર આંગણે મંડપ બંધાઈ રહ્યો હતો.પ્રીતિના મનમાં અજીબ શોર મચી રહ્યો હતો.પડોશમાં પ્રીતિની બહેનપણી પ્રિયા રહેતી હતી.પ્રિયાના ઘરમાં ટીવી ચાલી રહ્યું હતું.પ્રીતિ શૂન્યમનસ્ક થઈ ટીવી સામે જોઈ રહી હતી.અચાનક સમાચારમાં સાંભળ્યું કે સરહદ પર યુદ્ધ શરૂ થઈ ગયું છે.પ્રીતિની ધડકનો વધી ગઈ હતી.બેચેન પ્રીતિના મનમાં ધમાસાણ યુદ્ધ શોર મચાવી રહ્યું હતું.જેમ-તેમ કરી એ દિવસ તો પસાર થઈ ગયો.બીજાં દિવસે જાન આવીને ઘર આંગણે ઊભી હતી.પ્રીતિ તૈયાર થવાના બહાને પ્રિયાના ઘરમાં હતી,ટીવી ચાલું હતું,અચાનક સમાચારમાં સાંભળે છે કે આજે બીજો એક હોનહાર જવાન પ્રીત આ યુદ્ધમાં શહીદ થઈ ગયો.આ સમાચાર સાંભળતાં જ પ્રીતિ ત્યાંની ત્યાં ઢળી પડી.બધો જ શોર શાંત થઈ ગયો.શરણાઈના સૂરનો શોર,લગ્નગીતોનો શોર,મહેમાનોના ઉલ્લાસનો શોર અને છેલ્લે મામતાબેનના મનમાં ચાલતો પોતાની દીકરીને સાથ ના આપી શકવાનો શોર.
---- જ્યોતિ આચાર્ય ( અમદાવાદ )
👉 આવી જ રસપ્રદ રચનાઓ ના વાંચન માટે નીચે આપેલ લીંક કલીક કરો .
શિર્ષક : "શું માં બાપ જ બાળકો ને બગાડે છે ? " ✍️ અવની શિવાંગ દવે, ( શિવે સ્વરી ),વડોદરા .https://laganinorangmnch.blogspot.com/2020/06/blog-post_38.html
લઘુકથા - "ડર" ✍️ લેખક :: દિપા સોની "સોનું" (જામનગર)https://laganinorangmnch.blogspot.com/2020/06/blog-post_77.html
શિર્ષક : હું ડાયરી ✍️ જાની સોનલ (અમદાવાદ)https://laganinorangmnch.blogspot.com/2020/06/blog-post_74.html
બાળગીત : માનવીનો અભિનય કરું.. ✍️ ચિત્રોડા ચાંદની ચાંદ (પોરબંદર)https://laganinorangmnch.blogspot.com/2020/06/blog-post_25.html

Comments
Post a Comment