શીર્ષક :- વ્હાલ આપું... ✍️ કાજલ શાહ 'જલ'
બે ગાલ પર તમારા, એવું હું વ્હાલ આપું,
ને શેરડો શરમનો, આજે તો લાલ આપું,
માણસ બની નિયતમાં રાખે છે ખોટ ઝાઝી,
કુદરત નહીં વિચારે, આજે કે કાલ આપું,
કોની તરફ ઢળે છે, શબ્દો બધાં કલમના,
એને જ આ ગઝલનો, જઇને હું ફાલ આપું,
થ્યો છે ખરો સમય તો પાંખો હવે ઉઘાડું ?
પંખીના ડાયરામાં, જઇને હું તાલ આપું,
'જલ' શ્વાસની રમત તો વર્ષોથી હું રમું છું,
આજે તો મ્હાત આપી,નોખી જ ચાલ આપું.
- કાજલ શાહ 'જલ'
👉 રચના નંબર - ૨
શીર્ષક : આપ તું વધારે...
માનવ કહે છે, ઈશ્વર! હજુ આપ તું વધારે,
ઈશ્વર કહે છે, બેટા! કર જાપ તું વધારે,
આ ફોનનો સંગાથી, અંગત નજર ન આવે,
ખાણું ને થાક ભૂલી, બસ છાપ તું વધારે,
માયા ને માનઘેલો, એવો સડે કપટથી,
કોઈ ચડે જો ઊંચે, પગ કાપ તું વધારે,
કપડાં નવા પહેરી, દેખાવ તું કરી લે,
અંદરથી છો તું પોકળ, ને માપ તું વધારે,
ગંગા જઈ ને જાણે, રસ્તો કરે છે ખુલ્લો,
નેવે શરમને મૂકી, કર પાપ તું વધારે,
બોલે તો ઝેર ઓકે, નર્યો છે સ્વાર્થ જાણે,
માણસ મટી થયો છે, 'જલ' સાપ તું વધારે.
- કાજલ શાહ 'જલ'
👉 રચના નંબર - ૩
🌸🌸 અંતિમ હશે... 🌸🌸
આ ગલી,આ શહર,આ જ અંતિમ હશે,
ને શું મારી સફર આ જ અંતિમ હશે ?
જોઈને કાલ મેં ફેરવી જે હતી,
ના હતું કે નજર આ જ અંતિમ હશે !
કોણ જાણે જનમ ને ગતિ ક્યાં હશે,
કે સૂવાને કબર આ જ અંતિમ હશે ?
શોધ ના મોતના કોઈ કારણ હવે,
પ્રેમ રોગે જવર આ જ અંતિમ હશે.
આજ બિરદાવજો ફૂલથી આ ગઝલ,
ક્યાંક મારી બહર આ જ અંતિમ હશે !
સ્વપ્ન પૂરું થશે, આંખમાં જે રહ્યું ?
શું નિશાનો પ્રહર આ જ અંતિમ હશે?
'જલ' ! કરી લે જરા પ્રેમની આપ-લે,
એ બને કે ખબર આ જ અંતિમ હશે.
- કાજલ શાહ 'જલ'
👉 રચના નંબર - ૪
નયન ખુલ્લા છે એ આભાસના જોરે ટકેલો છું,
અમુક ફળતા ને ગળતા શ્વાસના જોરે ટકેલો છું,
'જો' ને 'તો' ની બરાબર વચ્ચે ઊભો છું એ રીતે,
જુઓ, કેવી અજાણી કાશના જોરે ટકેલો છું,
હશે જો હાથની રેખામાં તો છત પણ મને મળશે,
હવે હું ત્યાં લગી આકાશના જોરે ટકેલો છું,
વિના તારા વિચારું શું અહીં અસ્તિત્વ હું મારું,
વસે છે તું મહીં એ ભાસના જોરે ટકેલો છું,
અલગ છું હું આ રુપ ને રંગની દુનિયાથી એ રીતે,
હું કાજળ થઇ બધે કાળાશના જોરે ટકેલો છું,
નશામાં છું, છતાં ખુશ છું, કે તું દેખાય છે સામે,
હું 'જલ' ખોટી એ ગમતી હાશના જોરે ટકેલો છું.
- કાજલ શાહ 'જલ'




Comments
Post a Comment