વેદના ✍️ મીના વ્યાસ ( વડોદરા )
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
વેદના એમ મારી કળાશે નહી,
તૂટશે સ્વપ્ન તો સંભળાશે નહી.
ભાર હૈયે ભરીને ચાલું છું સતત,
રાહ તેથી જ આગળ કપાશે નહી.
ઠાલવી દઉં છું કાગળ ઉપર હું બધું,
પૂછશો તો ય બોલી શકાશે નહી.
છો રહે રાતદિન શાથ મારી વ્યથા,
જો થશે દૂર તો કંઈ લખાશે નહી.
વિનવું વેદનાને ન થાજો પ્રગટ,
આવશે આંસુ થઇ, એ દબાશે નહી.
મીના વ્યાસ
વડોદરા
👉 રચના નંબર - ૨
વિષય : માનવ
છંદોવિધાન : ગાગા (5)
માનવ ઉર્ફે ઘટના બીજું કંઈ નહીં,
કુંડાળા છે ફરતા બીજું કંઈ નહીં.
મહેરામણમાં મનખો હાલક ડોલક,
ઝંઝાવાતે મથતા બીજું કંઈ નહીં.
મારું મારું કરતા માયામાં સૌ,
પોતાને છેતરતા બીજું કંઈ નહીં.
ઘટમાળ રચી જીવન મૃત્યુની પણ,
વળગે કંઇક અભરખા બીજું કંઈ નહીં.
થીજેલા તોય બરફના પંખી છે,
હુંફ મળ્યે પીગળતા બીજું કંઈ નહીં.
મીના વ્યાસ
વડોદરા
👉 રચના નંબર - ૩
વિષય :- દશા
દિશા બધી ફરી ગઈ, દશા ફરી તો,
ઝખમ ઘણાં કરી ગઈ દશા ફરી તો.
વરસતું વ્હાલ લઇ ખીલતી સવારે,
કળી હતી, ખરી ગઈ દશા ફરી તો.
હતી બહાર હર તરફ અહી ચમનમાં,
વસંત પાનખર ધરી ગઈ દશા ફરી તો.
રૂંવે રૂંવે પ્રગટ થતી હતી અગન તે,
જરાકમાં ઠરી ગઈ દશા ફરી તો.
ઉડાન આભમાં ભરું ગગન વિહરવા,
એ પાંખને હરી ગઈ, દશા ફરી તો.
ભલે ને ઝાંઝવા ઓગળે નયનમાં,
હું એક રણ તરી ગઈ દશા ફરી તો
નિરાશ મન, અનેક ઘાવ, વેદનાઓ,
એ કેટલું ભરી ગઈ દશા ફરી તો.
મીના વ્યાસ
વડોદરા



Comments
Post a Comment