પરી તળાવની પાળે ..✍️ અલ્પા પંડયા દેસાઇ.. મુંબઈ. ૧૦/૭/૨૦૨૦ ✍️
![]() |
| પરી તળાવ - જુનાગઢ |
આપણને પ્રકૃતિએ કેટકેટલું આપ્યું છે. પર્વત, નદી , હવા,સૂરજ,ચંદ્ર અને બધુ જ કેવળ આપણાં કલ્યાણ માટે.
પર્વત ટાઢ, તડકો, ભૂમિ કંપન કેટકેટલા આંચકાઓ ખમીને આપણી રક્ષા કરે છે.
નદી પણ તેના ઉદ્ગગમ સ્થાનમાંથી નિરંતર કલકલ કરતી વહે છે. અંતે ખારા સાગરમાં ભળી જાય છે તે પણ કૉઈ જાતની અપેક્ષા વગર!
પોતાના પ્રવાહમાં આવતા જેટલા પણ પડાવ હોય તે દરેકને નિરંતર તેના અસીમ વ્હાલ કરતી તે વહે છે.. મારો આજનો વિષય પણ આ નદીની જેમ પ્રકૃતિ ધરાવતી એવી સ્ત્રીઓની વાત છે.
આ દરેક માનુની, વિદુષી અને પરદુખ ભંજિની એવા વ્યક્તિત્વના માલકણ વિષે વાત કરવાની છે.
મારા આજના વિષયના પ્રથમ મહાનુભવ એવા મારા જ જુનાગઢના પુત્રવધૂ શ્રીમતી હર્ષાબેન હિમકરભાઈ જોષીપુરા છે.
હર્ષાબેનનો જન્મ ગુજરાતના સુરત ખાતે તારીખ ૪ -૧૦ -૧૯૪૨ના રોજ થયો હતો. મોટાભાગનો તેમનો ઉછેર રાજ્યના રંગીલા શહેર રાજકોટ ખાતે થયો.
ઇ. સ.૧૯૬૦માં એસ.એસ.સી.ની પરીક્ષામાં સારા ગુણ સાથે ઉત્તરીણ થયા બાદ કૉલેજ સુધીનું શિક્ષણ તેમણે ઘરમાં રહીને જ કર્યું.
સમાજ શાસ્ત્રના સ્નાતક બન્યા.. “ભારતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા”તરફથી લેવાનારી પરીક્ષા “રત્ન”માં તેઓ ભારતભરમાં દ્રિતીય સ્થાન પર રહ્યા.
ઇ. સ. ૧૯૬૦માં આકાશવાણી રાજકોટ ખાતે રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી.
પોતાની વાકછટા, બોલવાની શૈલી અને ભાવ સાથે અસ્ખલિત વહેતી વાણીને કારણે તેઓ નાની ઉમરથી જ તેના કરતાં મોટા એવા કલાકારો સાથે નાટ્ય સંસ્થામાં જોડાયા.
મુ. ઇલાબેન માંકડ, મુ.હેમુ ગઢવી,મુ.રામજીભાઈ વાણિયા,માર્કંડભાઈ ભટ્ટ, ઊર્મિલાબેન ભટ્ટ,પદ્મશ્રી દિવાળીબેન ભીલ, પદ્મશ્રી ભીખુદાનજી જેવા ઊંચા ગજના કલાકારો સાથે તેમણે વર્ષો સુધી કળાક્ષેત્ર અને નાટકોમાં કામ કર્યું.
તેમના લગ્ન જુનાગઢના હિમકરભાઈ જોશીપૂરા સાથે ઇ. સ. ૧૯૭૪ માં થયા અને તેઓ કુમારી માંકડ માંથી મિસીસ જોષીપુરા બન્યા.
શિક્ષક પતિદેવને પરણીને આવેલ એક કલાકારનો જીવ પરણ્યા બાદ પણ કશુંક નવું કરવા થનગનતો. હિમકરભાઈના પ્રોત્સાહન અને સાસુજી રમાબેન જોષીપુરા તેમના સાલસ અને સહજ સ્વભાવ થકી હર્ષાબેનમાં અંકુરિત થયેલી પ્રતિભાને ઓળખી ગયા અને ગરબાના તાલ સાંભળીને થરકતા તેમના પગને જાણે નવું જોમ આવ્યું.
તેમણે રેડિયો નાટકોમાં ભાગ લેવાની સાથો સાથ, ગરબાની તાલીમ પણ આપવાનું ચાલુ કર્યું. તેમની રચેલી એક સંસ્થા “ મૃદુલ મંજૂલ” થકી ઘણાં પ્રાચીન અર્વાચીન ગરબાને ગુજરાતની શેરી, પોળ કે ફળિયામાંથી સ્ટેજ પર અને રાષ્ટ્રભરમાં લાવીને
ગરબાની ઓળખ આપી. પોતાની કલાને બીજામાં અંકુરિત કરી; આ સંસ્થાએ ગુજરાત રાજ્યની ગરબા સ્પર્ધામાં સતત પાંચ વર્ષ સુધી પ્રથમ આવીને તેમનો દબદબો જાળવી રાખ્યો.
ઇ. સ. ૧૯૬૨ના ભારત સામે ચીનના થયેલ યુદ્ધ વખતે આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશનના કલાકારોના આ વૃંદ એટલે મુ. હેમુભાઈ ગઢવી, મુ.ઇલાબેન માંકડ,મુ.રામજીભાઈ જેવા કલાકારોએ શેરી નાટકો કરી અને ફાળો ઉઘરાવ્યો હતો. આ ફાળો એ જમાનામાં સાઈઠ હજાર રોકડા રૂપિયા અને દસ થી પંદર તોલા સોનું એકઠું કર્યું. આ રકમ અને સુવર્ણ પ્રધાનમંત્રી રાહત કોષને આપી પૂરા રાષ્ટ્રને ઉપયોગી બની અને તેમની ઉદારતાનો, સેવા કરવાનો અવસર મેળવ્યો.
હર્ષાબેને દિગ્દર્શીત કરેલ નાટકોમાં “રંગીલો રાજા” પણ હતું. જુનાગઢ ખાતે હાટકેશ ભાતૃ મંડળ સંસ્થામાં પ્રચલિત ધારાવાહિક “નુક્કડ” નું ગુજરાતી અનુવાદિત નાટક પણ દિગ્દર્શીત કર્યું.
જુનાગઢ ખાતે “ આર. જે.કનેરીયા કન્યા વિદ્યાલય”માં ઇ. સ. ૧૯૯૯ સુધી સર્વોચ્ચ પદ એટલે આચાર્યા પદ શોભાવીને ઘણી દીકરીઓને તેમના જ્ઞાન અને કળાનો સંગમ સમું જીવન ઉપયોગી જ્ઞાન પણ આપ્યું હતું.
ગુજરાત રાજ્યની ગરબા હરીફાઈમાં જીતીને તેમણે આસામ,તમિલનાડુ જેવા રાજ્યમાં ગુજરાતનાં પ્રતિનિધિ બની ગરબાને રાષ્ટ્ર સમક્ષ લાવવાનું કામ
પણ હર્ષાબેન અને તેમની સંસ્થાએ કર્યું.
તેમની ઉદ્દઘોષણાના અગણિત શ્રોતાઓમાં માનનીય રાજ કપૂર સા’બ,મા.શશીકપૂરજી,મા.
અમીતાભ બચ્ચનજી પણ ખરા. તેઓને મળીને હર્ષાબેને તેમના અવાજની પ્રસંશાની સાથે ફિલ્મમાં અભિનય કરવા માટે માનભર્યું કહેણ પણ આવ્યું; જે ન સ્વીકારતા હર્ષા બહેન જુનાગઢ આવી અને તેમની કળાનો લાભ આપતા થયા. તેમના જીવનની પ્રેરણા ગઢીઓને મળતી જ રહે છે.
જૂનાગઢ ખાતે તેમની સેવાઓ શિશુ મંગળ, સ્ત્રી નિકેતન, જુદા જુદા મહિલા મંડળ સાથે જોડાઈ અને તેમની કળાનો વારસો આપતા રહ્યા.
“કલરવ” નામની સંસ્થા દ્વારા નાની બાળાઓને ગરબા, નૃત્ય, સંગીત વગેરે જ્ઞાન નિઃશુલ્ક આપી તેમણે જુનાગઢ પરત્વે તેમનું મોટું યોગદાન આપ્યું.
તેમના શોખમાં ગરબા રમવા, કરાવવા, ઉદ્દઘોષણા ઉપરાંત જૂના હિન્દી, ગુજરાતી ફિલ્મી ગાયનો પણ સાંભળવા ગમતા. લગભગ ૩૦૦ જેટલા ફિલ્મી ગાયનો તેમને કંઠસ્થ હતા. એક રેડિયો તેની સાથે જ રહેતો.
![]() |
| જુનાગઢ શહેર |
હર્ષાબેનના બે પુત્રો અંકિત અને મિલિંદ બંનેને કલાનું જ્ઞાન ગળથૂથીમાં મળેલ છે. માત્ર ચાર વર્ષની વયે જ શાસ્ત્રીય નૃત્ય “ભરત નાટ્યમ”
શિખવીને દીકરાઓને નૃત્ય શું કામનું? એ ઉક્તિને તેઓએ ખોટી પાડી હતી.
અંકિત એમ.એસ.સી. સુધીના અભ્યાસ સાથે હાલ અમદાવાદ ખાતે બાવીસ વર્ષથી ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. સાથોસાથ
અભિનેતા, કવિ, લેખક,કોરિયોગ્રાફર જેવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઑ ગુજરાતી ફિલ્મો જેવાકે
“હુતૂતૂ”માં મુખ્ય ખલનાયકની ભૂમિકામાં આવેલ છે.
જ્યારે મિલિંદ કેમિકલ એન્જિનિયરિંગ અને પી. એચ. ડી.ની ઉપાધિ સાથે “નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ”માં પ્રોફેસર તરીકે તેમના જ્ઞાનનો લાભ આપે છે.
જ્યારે અંકિત ગુજરાત આઇકોનીક ફિલ્મ ફેર એવોર્ડ માટે બેસ્ટ રાઇટર તરીકે નોમિનેટ થયા અને મિલિંદ એક “યંગ પ્રોફેસર” તરીકેના સન્માન માટે સન્માનિત થયા ત્યારે હર્ષાબેનની ગેરહાજરી ઘરના તમામ સભ્યોને કળી હતી.
મુ.હિમકરભાઈની જીવનરૂપી દરેક કેડી પર સાથે ચાલનારા હર્ષાબેન ૧ જુલાઇ ૨૦૧૪માં તેમના અવાજને પડઘામાં રૂપાંતરિત કરીને મોટા મંચ પર તેમની કલાનું દિગ્દર્શન કરવા ઉપડી ગયા.
“ નામ ગૂમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા,
મેરી આવાજ હી પહેચાન હૈ, ગર યાદ રહે.”
પૂ. હર્ષાબેન જેવા જ્ઞાન અને કલાના દિવ્યજ્યોતિને
સત સત નમન.....
અલ્પા પંડયા દેસાઇ..
મુંબઈ.
૧૦/૭/૨૦૨૦




Comments
Post a Comment