લધુકથા :- "યાદોની સફર" ✍️ લેખક :: દિપા સોની "સોનું" ( જામનગર )





       "તું શું કરે છે શીલા ?" આખો દિવસ કંઇકને કંઇક બોલતી કે પછી ભજન ગણગણાવતી સાઇઠ વર્ષની પત્ની કયારની ચૂપચાપ બેઠી હતી, તે જોઇને પાંસઠ વર્ષના યોગેશભાઇએ પૂછયું.

      "ફોટા જોવું છું"
     "લે... આલબમ જોવે છે? મને કહેવાયને ? ચલ હું પણ આવું, સાથે જોઇએ."

      યોગેશભાઇએ જોયું કે, શીલાબેન એક નાનકડું આલબમ ખોળામાં રાખીને બેઠા હતા કે જેમાં તેમના દીકરાના થોડા ફોટા હતા.

    "જોવો... આ ફોટો, આપણા કાર્તિકનો એ દિવસનો છે જયારે તે પહેલીવાર ચાલતા શીખ્યો અને પડી ગયો હતો, કેટલું રડયો હતો ..." શીલાબેને ફોટો બતાવતા જુની યાદો વાગોળી..

      " હા યાદ જ હોય ને.. મેં ચલાવવાનો પ્રયત્ન કર્યો અને તે પડી ગયો, તે રડયો તેના કરતા  વધારે તો તું રડી, અને મારા પર ગુસ્સો કર્યો. પછી તો મહિના સુધી ચલાવવાનો પ્રયત્ન જ ન કર્યો."

    "જોવો આ ફોટો, તેના પહેલા જન્મ દિવસનો... કેવો કાનુડા જેવો લાગે છે મારો દીકરો..."

      "લે... એકલો તારો જ દીકરો ? મારો નહી ? પહેલા જન્મ દિવસે તે જીદ કરીને ટ્રાયસિકલ લેવડાવી હતી. મારી પાસે પૂરા પૈસા ન હતા તો ભાઇબંધ પાસેથી ઉછીના લઇને સાઇકલ લીધી હતી, અને સાઇકલ ચલાવતા ચલાવતા સહેજ પડી ગયો તો તે આખું ઘર માથે લીધું હતું..."

      "હા... એ તો મા છું ને... દીકરાને રડતો કેમ જોઇ શકું ??"
       "તો શું બાપ દીકરાને રડતા જોઇ શકે ?"
   
      "ચલો હવે અત્યારે ઝઘડો નથી કરવો. આગળ ફોટા જોઇએ. જોવો જોવો.. આ ફોટો તે બાલમંદિર ગયો તે દિવસનો... કેટલો રડતો હતો બાલમંદિર જવાના દિવસે.... મારો તો જીવ ચાલતો જ ન હતો..."

     "હા... મને યાદ જ છે, તું પહેલા દિવસે મૂકવા ગઇ હતી અને રડતો હતો તો બાલમંદિરના ગેઇટ પરથી પાછી આવી ગઇ હતી.."

     "હા... પછી તો બે ત્રણ દિવસ સુધી સવારે તેને ઉઠાડું અને તૈયાર કરૂં એટલે તે સમજી જાય કે બાલમંદિર જવાનું છે, એટલે પહેલેથી જ રડવાનું શરૂ કરી દે... કાર્તિકના પપ્પા... યાદ છે... ત્રણ દિવસ તેને સમજાવ્યા પછી પણ તે બાલમંદિર જવા તૈયાર ન થયો તો તમે તેને બોલ-ગેઇમ-ચોકલેટ લાવી આપવાની લાલચ આપી હતી.."

      "યાદ જ હોય ને... રોજ સવારે તૈયાર કરીને મૂકવા લઇ જાવું, ચોકલેટ લાવી આપું, પણ બધું લાવી દીધા પછી તે રડવાનું શરૂ કરે... તો પણ એકદિવસ તો મન કઠણ કરીને બાલમંદિર મૂકી આવ્યો... મને એમ કે બીજા બાળકોને જોઇને તે શાંત થઇ જશે, પણ તે તો બીજાને જોઇને વધારે રડવા લાગ્યો. હું તો મૂકીને નીકળી જ ગયો... પણ તેનો રડવાનો અવાજ બાલમંદિરના રૂમની બહાર સુઘી આવતો હતો, અને મારો જીવ ન રહ્યો, હું તેને પાછો લઇ આવ્યો, પછી કેટલાય દિવસે તે જવા માટે માન્યો."

      "જોવો, આ ફોટો તે દસમા ધોરણમાં આવ્યો અને પહેલીવાર ટયુશનમાં ગયો ત્યારનો, ટયુશનમાં છતા પણ તે રડતો હતો."

     "હા... તો .. નવ ધોરણ સુધી તો તું જ ભણાવતી, તો પછી તેને ટયુશન જવાની જરૂર જ ન પડતી ને .."
         "હા... પણ પછી મને ભણાવવાનું ન ફાવતું."

       "હા.. એ તો એમ જ હોય ને... તું તો ભણાવતી પણ ખરી, પણ હવેની મમ્મી તો બાલમંદિરથી જ બાળકોને ટયુશનમાં મૂકી આવે."

       "જુવો.. જુવો... આ ફોટો તેના કોલેજના પ્રથમ દિવસનો.... બીજા બાળકો તો કોલેજના પ્રથમ દિવસે ઉત્સાહથી ઉછળતા હોય, પણ આપણા કાર્તિકનું મોઢું તો જુઓ... પરાણે કોલેજ જતો હોય તેવું છે.."

     "હા... પણ તે જ કાર્તિકને સારી કોલેજમાં ભણાવવા બહારગામ મોકલવાની જીદ પકડી હતી ને... તેને હોસ્ટેલમાં જવાની ઇચ્છા જ ન હતી.. પણ તે કહ્યું એટલે ગયો..."

       "તો ગયો તો સારૂં થયું ને... કેવું સરસ ભણ્યો મારો દીકરો.. આપણા ગામમાં સારી કોલેજ જ કયાં હતી ? મને ખબર હતી કે તેને હોસ્ટેલમાં નથી જવું.. પણ તેના ભવિષ્ય માટે મેં પરાણે મોકલ્યો.."

     "પણ તેં ભારે હિંમત બતાવી હતી હો... હોસ્ટેલમાં કાર્તિકને મૂકીને આવ્યા એ દિવસે તેની આંખમાં આંસુ હતા, પણ તું જરાય ન રડી, હસતાં હસતાં તેને આવજો કહ્યું."

         "હા... મારૂ મન જાણે છે કે કેવી રીતે મેં આંસુ રોકી રાખ્યા હતા..."

     " હા... પછી એ આંસુનું પૂર મેં જોયું છે હો.... મને યાદ જ છે કે પછી તું કેટલી રડી હતી..."

     "જોવો.. આ ફોટો તે કોલેજની ડીગ્રી લઇને આવ્યો ત્યારનો... કેવો સરસ લાગે છે... "

         "અને પછી તો તે અડધા ગામમાં પેંડા વહેંચ્યા હતા... તેની ડીગ્રી સરસ મઢાવીને ડ્રોઇંગરૂમમાં રાખી હતી."

      "હા... કાર્તિકની ખૂશી એ જ આપણી ખૂશી... તેણે તેની સાથે નોકરી કરતી કેતકીને પસંદ કરી... આપણે પણ તેની પસંદ સ્વીકારી જ લીધી ને... કેવો હરખ હતો તને તેના લગ્નમાં !! કેટલા ધામઘૂમથી તેના લગ્ન કર્યા... તેની ઇચ્છા હતી તો જુનું ઘર વેચીને લોન લઇને તેના નામથી નવું ઘર પણ લીધું.. બધું કાર્તિકની ખૂશી માટે જ ને !!!"

      "હા... આપણે કયાં બીજા સંતાન છે ? બધું તેનું જ હોય ને .. તે ખુશ તો આપણે ખુશ... કેતકીમાં મેં દીકરી જ જોઇ હતી... મેં નકકી જ કર્યું હતું કે કેતકીને દીકરીની જેમ જ રાખીશ.."

     "હા પણ તેણે કયાં તારામાં 'મા' જોઇ ??? તે તો વહુ બનીને જ રહીને... અને આપણો કાર્તિક... આપણો મટીને કેતકીનો બની ગયો... કેતકીની આંખે જોતો... કેતકી શીખવાડે એટલું જ બોલતો... કાર્તિક સાવ બદલાઇ ગયો... અને કેતકી તેને ધીમેધીમે આપણાથી દૂર કરતી ગઇ."

      "શું કરીએ કાર્તિકના પપ્પા.... આપણે તો બનતા પ્રયત્ન કર્યા... પણ કેતકીને એકલા જ રહેવું હતું... આપણી સાથે રહેવાનું તેને બંધન લાગતું હતું... તો પછી શું કરવાનું ???"

     "કંઇ નહી કરવાનું... આજે પણ આપણે એમ જ કહીશું કે કાર્તિકની ખુશી એ જ આપણી ખુશી....". 

          અને બન્ને વૃધ્ધ પતિ-પત્ની રડી પડયા... વૃધ્ધાશ્રમના પહેલા દિવસે તેમના આંસુ લૂછવા કોઇ ન હતું...

✍️ દિપા સોની "સોનું"

👉 રચના નંબર - ૨ 

  " અધુરા સપનાઓનો ભાર સંતાનો પર ?? "  ✍️ લેખક :: દિપા સોની "સોનું"


      આજે બે સ્ત્રીઓની વાતચીત કાને પડી. એક સ્ત્રી કહેતી હતી.... "મારી દીકરી તો ના પાડતી હતી, પણ મેં તો સાયન્સમાં જ એડમીશન લેવડાવ્યું.. હું ભણતી હતી ત્યારે સાયન્સ ભણવાનું મારૂં સપનું હતું, પણ ન કરી શકી, હવે મારી દીકરી મારફતે પૂરૂં કરીશ."
    બીજી વાત સાંભળવા મળી... "મારે ખૂબ ભણવું હતું, પી.એચ.ડી. કરવું હતું, પ્રોફેસર બનવું હતું, પણ લગ્ન થઇ ગયા પછી ભણવાનું ન થયું. હવે મારી દીકરીને પ્રોફેસર બનાવીશ, તેને ટીચીંગમાં રસ નથી, પણ મારૂ સપનું પૂરૂ કરવું છે, તેને પ્રોફેસર બનાવીશ જ.." 
    એક ભાઇને મ્યુઝીકનો બહુ શોખ.. સંગીત શીખવા માંગતા હતા.. પણ બાપદાદાના ધંધાના કારણે તેમના પિતાએ ધંધામાં જોતરી દીધા અને સંગીતનો શોખ અધૂરો રહી ગયો. હવે તે ભાઇ પોતાના મોટા થતા દીકરા માટે મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ લઇ આવ્યા. તેમના દીકરાને મ્યુઝિકમાં રસ નથી તો પણ રોજ સવારે તે પરાણે દીકરાને સંગીત સાધનામાં જોતરી દે છે, અને ખુશ થાય છે કે મારૂં સપનું મારો દીકરો પૂરૂં કરે છે. પણ સમજતા નથી કે દીકરાના સપનાનું શું ??
    'સપના...'  શબ્દ જ એટલો સરસ છે કે આપણા ચહેરા પર મુશ્કાન આવી જ જાય. 'સપના' એટલે વાસ્તવમાં જે નથી મળ્યુ એ મેળવવાનું સ્થળ.., 'સપના' એટલે જે દિલમાં ઉગે છે તે પૂરૂં કરવાની ક્રિયા, 'સપના' એટલે ભવિષ્યની યોજના, આપણી આવતીકાલને ઘડવાની ક્રિયા. હવે પછીના વર્ષો માટે જીવનની રૂપરેખા ઘડતું ચિત્ર.., 'સપના' એટલે બંધ આંખે કે જાગતી આંખે કરેલા વિચારો અને પછી તે પૂરા કરવા થતા પ્રયત્નો... સપના બઘા જ જોવે છે  સપનાની દુનિયા મેઘધનુષી રંગોથી સજાયેલી છે  કદાચ આપણી ક્ષમતામાં નથી કે આપણા નસીબમાં નથી તે પણ મેળવવાનો વિચાર એટલે જ સપના... સપના જોવાનો હકક બઘાને છે જ.. સપના જીવનબળ પૂરૂં પાડે છે. ઘણીવાર આંખમાં અંજાયેલું એક સપનું જીવનની રાહ બદલી નાખે છે. જેને સપના ન હોય તે કદાચ માણસની વ્યાખ્યામાં ફિટ ન બેસે. આપણી પાસે ધડકતું દિલ છે, છલોછલ લાગણી છે, તો સપના પણ હોય જ.. સપના અવશ્ય જોવા જોઇએ, પણ તે પૂરે થશે એવી શરત ન રાખો.. અને કદાચ આપણાથી પૂરા ન થાય તો તે સપનાનો ભાર આપણા સંતાનો પર ન નાખો. 
     આગળ વધતા વધતા પાછળ જોવું પણ જરૂરી છે. હમેંશા આગળ જ જોતા રહીએ તો કયારેય સંતોષનો ઓડકાર ન આવે. જીવનમાં કયાંક અલ્પવિરામ જરૂરી છે. સપના પૂરા થતાં કયારેક વર્ષો નીકળી જાય છે, તો કયારેક કલ્પનામાં પણ ન આવે એટલી ઝડપથી પૂરા થઇ જાય છે. આવું બને ત્યારે પૂરા થયેલા સપનાની ખુશી માણવાની સાથે સાથે તાત્કાલિક નવા સપનાનું ધડતર થઇ જાય છે. આપણે સપનામાં રાચતા હોઇએ છીએ. અવનવા સપના આપણા માનસપટ પર રચાતા રહે છે.અને પછી આપણે સપનાઓના સંગ્રાહક બની જઇએ છીએ. નવા - જુના સપનાનું આખું આલ્બમ રચાય જાય છે, જેમાં ભરચક સપનાઓ હોય છે. અને આગળ જતા આ એકત્રિત કરેલા સપનાઓનો વજનદાર વારસો સંતાનોને આપતા હોઇએ છીએ. કેટલાક સંતાનોને વારસામાં માતા-પિતાના એટલા બઘા સપના મળ્યા હોય છે કે તેઓ પોતે સપના જોવાનું વિચારતા જ નથી. માતા-પિતાના સપના પૂરા કરવામાં જ તેમની જિંદગી વીતી જાય છે. પોતે શું કરવું? શું બનવું ? તે વિચારતા જ નથી. બાળકો વતી બઘા જ નિર્ણયો લેવાની માતા-પિતાને એટલી હદે ટેવ પડી ગઇ હોય છે કે બાળકોની ક્ષમતા તરફ ધ્યાન જ નથી આપતા. દરેક માબાપ પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા જ ઇચ્છે છે. તેમની ઇચ્છા શું છે તે વિચારતા જ નથી. દરેક માતા-પિતાએ એક કોમન વિચાર અપનાવી લીઘો હોય છે કે દીકરી એટલે સારો વર અને દીકરો એટલે સારી નોકરી. બસ અંતે બઘા માતા-પિતા પોતાના સંતાનોને પોતાના જેવા બનાવી દે છે  આ આપણને લાગેલો એક ભયંકર રોગ છે. વડદાદા-દાદા તરફથી આવતી પરંપરા અને સપનાનું પ્રત્યારોપણ સંતાનોમાં કરીએ છીએ. લાખો બાળકો માતા-પિતાના સપના પૂરા કરવાના પ્રવાહમાં તણાય જાય છે. 
     માતા-પિતા બનવાની પ્રથમ શરત છે કે સંતાનોને સારી કેળવણી આપવી, તેમનો યોગ્ય રીતે ઉછેર કરવો, તેમને જીવન જીવવાની સ્વતંત્રતા આપવી. પણ આપણે એવું કરતા નથી. બાળકોને આપણી મહત્વકાંક્ષા-ઇચ્છા-અધૂરા સપના પૂરા કરવાનું સાધન સમજી લઇએ છીએ. એ ભૂલી જઇએ છીએ કે બાળકોની પોતાની પણ કોઇ ઇચ્છા હોય શકે, તેમની ક્ષમતાની પણ મર્યાદા હોય શકે. 
      બાળકોને રસ ન પડે છતાં ઊંચકીને ફરવું પડે તેવા સપનાનો ભાર લાગે છે. અને ભાર વધતો જાય પછી ભારો બને છે. જેટલું વજન વધારે એટલી ગતિ ઓછી. દુનિયામાં પાછળ રહી જનારા લોકો તરફ કયારેક ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તેમાં ઉછીનાસપનાનું વજન હોય છે. માતે-પિતાએ આપેલા સપના ઉછીના જ કહેવાય ને !! કયારેક તો તેમાં આખી જિંદગી વીતી જાય છે. હા.. કયારેક એવું બને કે માતા-પિતા અને સંતાનોનું સપનું એક જ હોય... તો આવા સમયે સપના પૂરા કરવાનું કામ આનંદની ધારા જેવું બની જાય છે. 
    સંતાનોના સાવ જુદા અને સ્વતંત્ર સપનાઓમાં સાથ આપવો એ સાધારણ માતા-પિતાનું કામ નથી. કારણકે બાળકોના ઉછેર સાથે જ એક ચોકકસ મર્યાદા કે ભવિષ્યની યોજનાઓ તેની આસપાસ રચી દીઘી હોય છે. અને એ દિવાલની બહાર જવા બાળક ઇચ્છે તો આખું ઘર ધ્રૃજી ઊઠે છે. આપણે એક અજાણ્યા ભવિષ્ય માટે બાળકને ધડતા હોઇએ છીએ. આપણે રચેલા ભવિષ્યમાં બાળકને ફિટ કરવાનો પ્રયત્ન કરતા હોઇએ છીએ. ઇંગ્લીશ મીડિયમ, સી.બી.એસ.સી., અવનવા કલાસીસ... વગેરે વગેરે.. બાળકમાં પથ્થર ઊપાડવાની તાકાત હોય તો તેને પહાડ પર જવા દેવો યોગ્ય છે, પણ રેતીમાં પણ સાચવીને ચાલતો હોય તો તેને બહાર મોકલવો યોગ્ય નથી. બાળકની ક્ષમતા માત્ર એક ગ્રામ સપનું ઊપાડવાની હોય ત્યારે વધારાનું દરેક સપનું તેના પર એક અત્યાચાર છે. અને આપણે તો બાળકની પીઠ પર મણ-મણના સપનાઓનો ભાર નાખીએ છીએ. અને બાળકનું જીવન ભાર ઉંચકવામાં જ પૂરૂં થાય છે. 
   તમે તમારા બાળકોના માલિક નથી, બાળકો એ દુનિયાના માલિક છે કે જયાં આપણે રહીએ છીએ. બાળકોને જીવવા દો, તેમને ખીલવા દો તેમને સલાહ આપો, મદદ કરો, તેમની ઇચ્છા-સપના પૂરા કરવા સાથ આપો, પણ તમારા સપના તેના પર થોપી ન દો.  તેનાથી તે ગુંગળાય જશે, તમારા સપનાના ભારથી તે દબાઇ ન જાય તે જોવાની ફરજ તમારી છે..
      દિપા સોની.. "સોનું"

👉 રચના નંબર - ૩ 

 લઘુકથા  -  "ભણેલા અભણ


જીવનની દુ:ખ કથા હસતા રહી કહેવી પડી મારે
કે મારામાં એને રસ હતો પણ લાગણી ન હતી તેને

       સવારના 7.45નો સમય થયો હતો. સેન્ટમેરી ઈંગ્લીશ મિડિયમ ગર્લ્સ સ્કૂલના સ્ટાફરૂમમાં બઘા જ શિક્ષકો આવી ગયા હતા. પ્રેયરને હજી દસ મિનિટની વાર હતી. ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ હોવાથી બઘા શિક્ષકો હાઇ-ફાઇ અને વેલ એજયુકેટેડ હતા. ગર્લ્સ સ્કૂલ હોવાથી આખો સ્ટાફ લેડીઝ ટીચરનો હતો. પગાર બઘાનો રૂ. 40000 ઉપર હતો. ઘણા ટીચર તો જાણે રોજ પાર્લરમાં જઇને આવતા હોય તેમ ફેશન કરીને આવતા હતા. આખા સ્ટાફમાં એક મેડમ પ્રેરણા દેસાઇ સૌથી શાંત, સરળ અને સૌમ્ય હતા. તે બઘામાં સિનિયર હતા. બઘા તેમને માન આપતા હતાં. રોજ બઘા આવીને ઘરની, પતિની, સાસુની વાતો કરતા, પણ પ્રેરણા મેડમ કયારેય કોઇનું ખરાબ બોલતા નહી. તેમનો અને તેમના પતિ ચિંતન દેસાઇનો પ્રેમ જોઇને બઘાને નવાઇ લાગતી. બન્નેના લગ્નને 15 વર્ષ થઇ ગયા હતા. ચિંતન દેસાઇ ડોકટર હતા. સારી પ્રેકટીશ અને ધૂમ આવક હતી. દરરોજ પ્રેરણાને કારમાં સ્કૂલે મુકવા આવતા. સ્કૂલેથી છૂટે અને બઘા બહાર નીકળે ત્યારે સ્કૂલના ગેઇટની સામે જ કાર લઇને પ્રેરણાની રાહ જોતા ઊભા જ હોય. તેમના આ કાર્યમાંકયારેય ફેર પડયો ન હતો. કયારેય પ્રેરણાને એકલી આવતા કે જતા કોઇએ જોઇ ન હતી. આખે સ્ટાફમાં તેમના પ્રેમની વાતો થતી. બીજા મેડમ તેમના પતિને ચિંતનનું ઉદાહરણ આપતાં.
    
      આજે સ્ટાફરૂમમાં બઘા બેઠા હતાં. ત્યાં પટ્ટાવાળા મંજુબેન આવ્યા. આવતાની સાથે જ બઘાની સામે નીચે બેસી ગયા. તેમનો ચહેરો જોઇને મેડમ આલીશાએ કહ્યુ કે, "લો... આજેપાછું મંજુબેનનું પતિપુરાણ ચાલુ થઇ જશે."
     
      મેડમ રાજુલે કહ્યુ, " હા યાર.. આ તો રોજનું છે, તેમના ઘરે ઝઘડો થાય એ બીજા દિવસે આપણે સાંભળવાનું જ હોય" 
  
       પ્રેરણા મેડમે બન્નેની સામે જોઇને કહ્યુ, " આવું ન બોલો, મંજુબેન પણ આપણા સ્ટાફ મેમ્બર જ છે. આપણને પોતાને સમજીને વાત કરે છે."
    
      પછી મંજુબેનની બાજુમાં જઇને પ્રેરણા મેડમે તેને પુછયું, "શું થયું ?"
    
      સવાલના જવાબમાં મંજુબેને રડતાં રડતાં કહ્યું, "મેડમ મારે તો આ રોજનું છે, પતિ બહુ કમાતો નથી અને મારો પગાર પણ પૂરેપૂરો પોતે લઇ લે છે. મારી પાસે ઘરખર્ચના રૂપિયા પણ નથી રહેવા દેતો."
      
        પ્રેરણા મેડમે તેને સાંત્વના આપતા કહ્યું, "આપણે આપણા ઘર માટે તો મહેનત કરીએ છીએ. પછી પગાર આપણી પાસે રહે કે પતિ પાસે, શું ફેર પડે છે??"
       
       આટલી વાત થઇ ત્યાં પ્રેયરનો બેલ વાગ્યો એટલે બઘા ચાલ્યા ગયાં, પછી તો સ્કૂલમાં કલાસ ચાલુ થઇ ગયા એટલે બઘા કલાસમાં જતાં રહ્યાં.
      
      10:30ના રીશેષમાં બઘા પાછા સ્ટાફરૂમમાં ભેગા થયા. પાછી મંજુબેનની વાત ચાલુ થઇ. સ્ત્રીના પગાર પર હકક કોનો? તેનો પોતાનો કે પતિનો?? આ વાત પર ઘણી ચર્ચા થઇ. બઘાનો એક જ મત હતો કે સ્ત્રીનો પગાર તેની પાસે જ રહેવો જોઇએ, પોતાને જરૂર હોય, ઘરની પરિસ્થિતિ નબળી હોય તો ખર્ચ કરવો, પણ હકક તો સ્ત્રીનો જ હોય. મેડમ પ્રેરણા આ વાત સાથે સહમત ન હતા. તેમના મત મુજબ પતિ પત્ની વચ્ચે તારૂં મારૂં ન હોય. બઘાએ તેને કહ્યુ કે એ તો ડોકટર સાહેબ તમારું આટલું ધ્યાન રાછે છે એટલે તમે આમ કહો છો... પ્રેરણા મેડમ કંઇ ન બોલ્યા. 
    
      થોડા દિવસ પછી ચાલુ સ્કૂલે અચાનક પ્રેરણાની મમ્મીનો ફોન આવ્યો. તેમની તબિયત ખરાબ હોવાથી પ્રેરણાને તરત જ ઘરૈ આવવા જણાવ્યું. પ્રેરણાએ તરત ચિંતનને ફોન કર્યો. ચિંતને કહી દીઘુ કે , "મને અત્યારે ટાઇમ નથી. તું જઇ આવ." પ્રેરણા રડી પડી. સ્ટાફમાં બઘાને ચિંતનના જવાબથી નવાઇ લાગી.પણ ડોકટર છે અને કામમાં હશે તેમ મન મનાવી લીઘું. રાજુલે પ્રેરણાની સાથે જવાની તૈયારી બતાવી, પણ પ્રેરણાએ ના પાડી. પ્રેરણા રડતી રડતી સ્ટાફ રૂમમાં બેઠી રહી. રાજુલે પુછયું કે તમે હજી કેમ જતા નથી? ત્યારે પ્રેરણાએ રડતાં રડતાં કહ્યુ, " રાજુલ , મારી પાસે પૈસા નથી. તું મને 100 રૂપિયા આપીશ?" રાજુલને નવાઈ લાગી. આટલો પગાર હોવા છતાં પ્રેરણા પાસે 100 રૂપિયા નથી? પણ તેણે કંઇ ન પુછયુ અને રૂપિયા આપી દીઘા. 
      
      બે દિવસની રજા પછી પ્રેરણા સ્કૂલે આવી ત્યારે રાજુલ પાસેથી લીઘેલા રૂપિયા પાછા આપ્યા.રાજુલે ના પાડતાં કહ્યું , "આપણી વચ્ચે આટલા વર્ષોના સંબંઘમાં તમે પહેલીવાર રૂપિયા માંગ્યા, આટલા રૂપિયા પાછા લેવાના ન હોય,પણ તમારી પાસે રૂપિયા કેમ ન હતા..??"

       પ્રેરણાએ કહ્યુ , " બઘાને એમ લાગે છે કે ચિંતન મને ખુબ જ પ્રેમ કરે છે એટલે મને તેડવા મુકવા આવે છે, મારૂ ખુબ જ ધ્યાન રાખે છે... તમને બઘાને મારી ઈર્ષા થતી હોય છે ને... , પણ એવું નથી  મારો બઘો જ પગાર ચિંતન લઇ લે છે.. મારી પાસે પાસબુક કે એટીએમ કાર્ડ પણ નથી. મારે દરેક ખર્ચ માટે ચિંતન પાસેથી રૂપિયા માંગવા પડે છે અને એક એક રૂપિયાનો હિસાબ આપવો પડે છે. હું મારી મરજીથી મારા પગારનો એક રૂપિયો પણ વાપરી શકતી નથી. મને તેડવા મુકવા એટલે જ આવે છે કે મારી પાસે રૂપિયો પણ હોતો નથી. તેનો પ્રેમ તેનો દેખાવ છે. તેને મારી આવકમાં જ રસ છે."
      
     બઘા સ્તબ્ધ બનીને પ્રેરણાની વાત સાંભળી રહ્યાં હતા  મંજુબેને આવીને રડતી પ્રેરણાને પાણી આપ્યું. તે કંઇ બોલ્યા નહી પણ જાણે તેમની આંખોમાં સ્પષ્ટ વાંચી શકાતું હતું કે ભણેલા કે અભણ... પતિ તો બઘા સરખા..

✍️  :: દિપા સોની "સોનું"


👉 રચના નંબર - ૪
 
  
  "ડર"

 "તારા પાલવમાં જરીના વેલ બુટ્ટા થઇ જશે
તું જરા લૂછી લે, મારા લાગણીના આંસુ"

     સાડા દસ થયા એટલે અવનીના દિલના ધબકારા વઘી ગયા. કામ કરતાં કરતાં કાન સતત મોબાઇલની રીંગ પર હતાં. ત્યાં તો પાંચ જ મિનિટમાં મોબાઇલની રીંગ વાગી. અવનીના હાથમાંથી વાસણ પડી ગયા. ધ્રૃજતા ધ્રૃજતા મોબાઇલમાં નજર કરી તો તે જ નંબર...તેણે કોલ ઉપાડયો નહી. એક મિનિટ પછી રીંગ પુરી થઇ, અવનીને હાશ થઇ. ત્યાં તો ફરીથી રીંગ વાગી. સતત વાગતી જ રહી. અવનીએ ફોન ઉપાડયો... એ જ અવાજ...
  
      "અની... તું મારો ફોન કેમ ઉપાડતી નથી ? મારી વાત કેમ માનતી નથી ..? હું છેલ્લા પાંચ દિવસથી તને કહું છું... રોજ તારો પતિ ઉદય ઓફિસે જાય તેની રાહ જોઈને તને ફોન કરું છું.. એકવાર મને મળ..."

     ફોનમાં મોહિતનો અવાજ સંભળાયો. અવનીએ કંઇ બોલ્યા વગર ફોન મૂકી દીઘો. પછી કયાંય સુઘી તે બેસી રહી. તેને થયું કે મોહિત કેમ બદલાય ગયો ..?? તે આવો તો ન હતો ??

      મોહિત અને અવની એક સમયે પ્રેમમાં હતાં. લગ્નના સપના જોયા હતાં. મોહિત બહુ સારો પ્રેમી હતો. અવનીને ખૂબ પ્રેમ કરતો. બન્નેએ એકબીજાને ઢગલાબંઘ પત્રો લખ્યાં હતાં, સાથે ફોટા પાડયાં હતાં. કેટકેટલા દિવસો સાથે વિતાવ્યા હતા. કલાકોના કલાકો એકાંતમાં સિનેમાના અંધારામાં, લોંગ ડ્રાઈવની ઝડપમાં વિતાવ્યા હતા. પણ કયારેય મોહિતે કોઇ છુટ લીઘી ન હતી. અવની તેના આ ગુણ પર જ ફિદા હતી. બન્ને સાથે બેસીને ભવિષ્યના સપના ગુંથતા રહેતા... પણ ભવિષ્ય કયાં કોઇને કશું કહે છે ?? કેટલાય પ્રેમીઓના સપના તૂટી ગયા.. માતા - પિતાની ઈજજત ખાતર, સમાજની બીકને કારણે તેમના પ્રેમનું બલીદાન લેવાય ગયું. અને અવનીને મોહિતને રડતો છોડીને ઉદય સાથે લગ્ન કરવા પડયા. લગ્ન વખતે અવનીએ મોહિતના બધા જ પત્રો ફાડી નાખ્યાં. મોહિત પાસેથી પત્રો અને ફોટા પાછા લેવાનો વિચાર જ ન આવ્યો.

     લગ્નના ચાર વર્ષમાં ઉદયના પ્રેમમાં ઘીમે ઘીમે મોહિત ભુલાતો ગયો. અવની ખુશ હતી, ઉદય સાથે સુખી હતી, પણ ત્યાં અચાનક તેના સુખના સરોવરમાં મોહિતના ફોને વમળ પેદા કર્યા. ચાર દિવસ પહેલા મોહિતનો ફોન આવ્યો, તેણે અવનીને કહ્યુ, " આપણે છૂટા પડયાને ચાર વર્ષ થઇ ગયાં, મેં કયારેય તને મળવાનો પ્રયત્ન નથી કર્યો... પણ હમણાં હું તારા શહેરમાં છું, હોટલમાં ઉતર્યો છુ , મારે તને મળવું છે."

     અવનીએ મળવાની ના પાડી ફોન મૂકી દીધો હતો., પણ મોહિતે ફરીથી તેને કહ્યુ કે, "અની તારા પત્રો અને ફોટા મારી પાસે છે તે તને યાદ છે ને..? મારૂ મન બહું જ અશાંત છે, તું મને મળ, તું જ મારૂ મન શાંત કરી શકીશ."

     અવની ધૃજી ગઇ . મોહિતની વાતમાં છૂપાયેલી ઘમકી તે સમજી ગઇ. "મન અશાંત છે અને તું જ શાંત કરી શકે છે" આ વાકયનો અર્થ તે સમજી ન શકે તેવું ન હતું. 
તેને નવાઇ લાગતી હતી કે આ એ જ મોહિત છે કે જેને તે પ્રેમ કરતી હતી..??? તે મોહિત તો સરળ હતો, ધમકી, બ્લેકમેલીંગ જેવું કંઈ જ વિચારી જ ન શકે. આટલા વર્ષના પ્રેમમાં તેણે કયારેય કોઇ છુટ લીઘી ન હતી. તો હવે પરિણીત અવની પાસેથી તે શું ઈચ્છે છે...? અવની ચિંતામાં હતી. લગ્ન પછી ઉદયને દગો કરવાનું તે વિચારી શકતી ન હતી, પણ મોહિતનું શું કરવું?? તે રોજ ફોન કરીને બોલાવતો હતો અને તેની પાસેના પત્રો અને ફોટાની યાદ અપાવતો.

     આજે પાંચમો દિવસ હતો. ઉદય ઓફિસે જાય પછી મોહિતના ફોન શરૂ થતાં. દર કલાકે - બે કલાકે તે ફોન કરતો. અવનીને ચિંતા થઇ કે મોહિત કયાંક પત્રો અને ફોટા ઉદયને બતાવશે તો ..?? તેને પોતાની દુનિયા ફરતી લાગી, પોતાનો સંસાર તૂટતો લાગ્યો. તેણે હિંમત કરીને મોહિતને મળવાનું વિચાર્યુ. આખો દિવસ વિચારીને તેણે નકકી કર્યુ કે તે મોહિતને મળીને પત્રો અને ફોટા લઇ આવશે. જરૂર પડશે તો મોહિતનો સામનો કરશે, પણ તેની એકપણ માંગણીને તાબે નહી થાય.

     ખૂબ હિંમત કરીને બીજે દિવસે તે મોહિતને મળવા ગઇ. મોહિત તેને જોતો જ રહી ગયો. મોહિતની આંખમાં પ્રેમ જોઇને એક ક્ષણ માટે તે તેમાં ખેંચાઇ ગઇ, પણ બીજી ક્ષણે મોહિતના ફોન યાદ આવી ગયા. તે ગુસ્સામાં તેની સામે બેઠી અને બોલી, "બોલ, શું કામ બોલાવી છે ...?"

     મોહિતે તેની પાસે બઘા પત્રો અને ફોટાનું બંડલ મુકયુ, અને અવની સામે જોઇને બોલ્યો, "અની... તારા પત્રો તારી યાદ રૂપે મેં રાખ્યા હતા. ચાર વર્ષમાં મેં તેને હજારો વખત વાંચ્યા છે, પણ હવે મને મારો ડર લાગે છે, કયારેક માનવસહજ નબળાઈ કે ક્ષણિક આવેગમાં આ પત્રો અને ફોટાનો દૂરઉપયોગ થઇ જાય અને તને મેળવવા માટે તેનો ઉપયોગ કરવાની ઈચ્છા થઇ જાય તેના કરતાં તું લઇ જા... આ મારી પાસે હશે ત્યાં સુઘી હું અશાંત રહીશ..
 તું લઇ જા.."

      આટલું કહીને મોહિતે પત્રોનું અને ફોટાનું બંડલ તેને આપી દીઘું. અવનીને પોતાના પર ગુસ્સો આવ્યો. તે રડી પડી. આટલા વર્ષોમાં પહેલીવાર તે મોહિતને ભેટી પડી અને તેના પર શંકા કરવા માટે માફી માંગતી રહી..

લેખક :: દિપા સોની "સોનું" ( જામનગર )

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .