સુખના સરનામાં ✍️ મલ્કાણ ભાવિક
આજનો આધુનિક માણસ રોજ સુખની શોધ માં જાણતા - અજાણતા અનેક રીતે દુઃખી થાય છે. જેમ જેમ સુખની પાછળ દોટ મૂકે છે તેમ તેમ તે નવા દુઃખો કે પરેશાની નોતરે છે. એક વાત તો સ્પષ્ટ જ છે કે સુખી થવાની ચાવી એ આપણી પોતા પાસે જ છે અને સરળ છે. બસ, માત્ર જરૂર છે અવલોકન અને ખુલ્લા વિચારોની. જેમ કે , રોજિંદી યાંત્રિક જિંદગીમાંથી એક નજર આપણી આસપાસ ના વાતાવરણમાં ફેરવતા અનુભવાશે કે સુખો અને ખુશીઓ દરેક નાની - નાની વાતોમાં કે વસ્તુમાંથી મેળવી શકાય છે. કોઇવાર પોતાની ઓફિસનુ ટેબલ પોતેજ સાફ કરીને, કોઇવાર ડ્રાઇવર જોડે મોટર કાર ના બદલે સાથે ચાલતા ચાલતા વાતો ના ગપ્પાટા કરીને, કોઇવાર ઘરના નોકર કે માણસ ને મનભાવતુ ભોજન બનાવીને, આસપાસ ના વૃક્ષો સાથે થોડીવાર વાતો કરીને, પશુ - પંખીઓને અનાજ કે છે ચણ આપીને, સૂર્યોદય કે સૂર્યાસ્ત ને નિહાળીને, આસપાસ ના વાતાવરણ માં સર્જાતા અનેકવિધ અવાજો સાંભળીને, શૈશવના સ્મરણો યાદ કરીને, જૂના વિસરાયેલા મિત્રોને મળી ને વગેરે બાબતો માં અનંત આનંદ અને આત્મસંતોષ છુપાયેલો છે. સુખની શોધ માં આમતેમ રખડવાનું નથી, માત્ર પોતાની એક જગ્યા સ્થિર કરીને શાંત રહેવાનું છે, સુખ, આનંદ ખુદ તમારા અસ્તિત્વને શોધીને તમારી પાસે આવશે .
મલ્કાણ ભાવિક
👉 રચના નંબર - ૨
એકલતા થી એકાંત સુધી
એકલતા, ઉદાસીનતા કે અકળામણ જેવી નકારાત્મક માનસિકતા માત્ર આજના સમયમાં જ નથી. પહેલાંના સમયમાં પણ હતી જ, માત્ર આજે બહાર આવે છે. તેના મુખ્યતત્વે બે કારણો હોય શકે પહેલું , દ્વિમુખી વ્યક્તિત્વ જેમ કે પોતે જે છે તે અને એક બીજા પાસે જે વ્યક્તિત્વ બતાવે છે જે તદ્દન અલગ અને હોય તેથી જૂઠું અને બીજું કારણ હોય શકે કોઈપણ વસ્તુ કે વ્યક્તિ પર નિર્ભરતા જે તેને કાયમી માટે ગુલામ બનાવી દે છે. આ બધી નકારાત્મકતા માત્ર અને માત્ર વિચારો જ છે, પરિસ્થિતિ કે સંજોગ નહિ. માણસ ક્યાંક ને ક્યાંક અંદર થી ખાલીપો અનુભવે છે. અને આ ખાલીપો તે બીજા પાસે ભરાવવાના પ્રયત્નો કરે છે. જ્યારે હકીકત તો એ છે કે આ મનોસ્થિતિ માં પોતાના સિવાય કોઈ ની પણ જરૂરત નથી. જ્યારે માણસ આવા ખાડા ને ભરવાને બદલે અંદર રહેલી વસ્તુ કે વિષય ને બહાર નિકાળશે ત્યારે તે અનુભવશે કે તે અલગ કે એકલો નથી આ પ્રકૃતિથી અને જાણશે કે સમગ્ર પ્રકૃતિ એક જ તાંતણે બંધાયેલી છે. તમે ડોકિયું કરશો કે કોઈ તેજસ્વી સંત કે સાધુ અથવા મહાપુરુષ જે એકાંત માં જ વાસ કરી ને સમગ્ર સૃષ્ટિ નુ રસપાન કરે છે. જે પણ તેની પાસે જ્ઞાન કે શક્તિ છે તે પ્રકૃતિમાંથી જ મેળવી છે જે આવા જ કોઈ ખાલીપા ની દેન છે. ઇતિહાસ માં જોશો તો જાણશો કે કોઈ પણ ક્રાંતિ અભાવમાંથી જ સર્જાય છે . માત્ર જરૂર છે પોતાની જાત સાથે મિત્રતા અને પ્રેમની. અંતે તમને બધુજ તમારી અંદર થી જ મળશે જે તમને જોઈએ છે.
મલ્કાણ ભાવિક
👉 રચના નંબર - ૩
કુદરત
કુદરત,ભગવાન કે પ્રકૃતિ એક એવું તત્વ છે, જે આ સૃષ્ટિ ને પોતાના ભંડોળમાંથી કોઈ પણ ભેદભાવ વગર દરેક જીવને જોઈએ તે પોષણ આપે છે.એટલે આપણે તેને પરમ તત્વ પણ કહીએ છીએ. દરેક જીવને કોઈ પણ તફાવત વગર જોઈતી જરૂરિયાત પૂરી પાડે છે, બધાને સમાન ગણે છે. માત્ર આપણે જ આપણી લાયકાત કે પાત્રતા પ્રમાણે આ પરમ તત્વ ને માણી શકીએ અથવા ભોગવી શકીએ છે. પ્રાણી માત્ર ત્યારે જ દુઃખી થાય છે જ્યારે તે કુદરત ને અવગણે અથવા પોતાની ટૂંકી બુદ્ધિ અને સ્વર્થવૃતી ના આશરે જઇ કુદરત ને કૃત્રિમ સ્વરૂપ માં પરિણમવા ના પ્રયનતો કરે છે. નહિતર, ભગવાને બધાને રાત- દિવસ, સમય પ્રાકૃતિક તત્વો સમાન જ આપ્યા છે. બસ માનવ મર્યાદા એટલી જ છે કે જે નથી તે મેળવવાના પ્રયાસો માં જે છે તે ઉતરોતર ગુમાવી બેસે છે અને અંતે કંઈ ભોગવી શકતો નથી. આમાં વાંક કુદરત કે ભગવાન નો નથી. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાના મુખામૃત સ્વરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ કુરુક્ષેત્ર મેદાન માં મઘ્યમાજ કહી હતી. તે સાંભળનારા મુખ્યત્વે ત્રણ હતા, અર્જુન, ધૃતરાષ્ટ્ર અને સંજય. આ ત્રણ લોકોએ પોતાની વૃત્તિ પ્રમાણે આ મૂખામૃત ગ્રહણ કર્યું. આમાં શ્રીકૃષ્ણ ભગવાન નો કોઈ વાંક નથી કે કોણે શું ગ્રહણ કર્યું, તેણે તો સમાન વહેચણી જ કરી હતી .
મલ્કાણ ભાવિક



Comments
Post a Comment