પ્રિયતમમાં પતિને ઝંખતી પ્રિયતમા ✍️ જ્યોતિ આચાર્ય ( અમદાવાદ )
એય...!!! તને ખબર છે....
તું મારામાં કેટલો જીવ્યા કરે છે ?
ઝીણી-ઝીણી લીધેલી તારી એ કાળજી,
મારામાં કૂંપળ બની ફૂટ્યાં કરે છે.
મહેનતથી પડેલો તારો એ પસીનો,
મારામાં રોમે-રોમ મહેકયાં કરે છે.
લટોમાં ફેરવેલી તારી એ આંગળીઓ,
મારામાં નદી જેમ દોડ્યાં કરે છે.
વજ્ર જેવી છાતી પર મારેલો એ મુક્કો,
મારી હથેળીમાં પડઘાયા કરે છે.
ગુસ્સામાં બોલેલા તારા એ શબ્દો,
મારામાં પારેવાં જેમ ફફડયાં કરે છે.
બીજી પળે માંડેલી વ્હાલની તારી વાતો,
મારામાં બાળક જેમ રમ્યાં કરે છે.
આમ,મારામાં તારું હોવું એ જ તો,
મારા અસ્તિત્વને ચૂમ્યાં કરે છે.
--- જ્યોતિ આચાર્ય
અમદાવાદ
👉 રચના નંબર - ૨
નથી રહ્યો માનવી..
ના આભનો, ના ધરતીનો,
ના ક્યાંયનો, નથી રહ્યો માનવી,
ગગનચુંબી ઈમારતોમાં ફસાયો.
ના પશુઓનો, ના પક્ષીઓનો,
ના કુદરતનો, નથી રહ્યો માનવી,
કૃત્રિમ અત્તરોમાં અંજાયો.
ના સંગતનો, ના પંગતનો,
ના અંગતનો, નથી રહ્યો માનવી,
દંભી રંગતોમાં રંગાયો.
ના કર્મનો, ના ધર્મનો,
ના મર્મનો, નથી રહ્યો માનવી,
વ્યસનોના કુસંગોમાં કળાયો.
---- જ્યોતિ આચાર્ય
અમદાવાદ


Comments
Post a Comment