તક મળી ✍️ -- જ્યોતિ આચાર્ય અમદાવાદ
તને પુષ્પ ધરવાની મત ફળી,
સરસ વાત કરવાની તક મળી.
મને નહોતી ખબર : હું છું જલતી જ્યોત,
તારા ઘરને અજવાસવાની તક મળી.
થયું : હાશ...! જીવન થશે ઉજાસ,
પણ અણધારી આફતોને તક મળી.
બચાવી રાખ્યાં હતાં અશ્રુઓ એટલે,
આંખોને સાગર બનવાની તક મળી.
અડચણો આવી એ તો સારું થયું,
સ્વજનોને પારખવાની તક મળી.
અંતે : નથી કોઈ તારું, નથી કોઈ મારું,
નિજ જીવનને સાંભળવાની તક મળી.
---- જ્યોતિ આચાર્ય
અમદાવાદ
👉 રચના નંબર - ૨
માઇક્રોફિક્શન " બૂટ "
પ્રિયાએ પરી જેવી દિકરીને જન્મ આપ્યો એ જાણી ધંધાર્થે વિદેશ યાત્રા પર ગયેલો પ્રિત વળતી ફ્લાઇટમાં જ પાછો આવ્યો.
પ્રિયા હોસ્પિટલથી ધરે આવી રહી હોય તેને સરપ્રાઈઝ આપવા સીધો ઘરે આવી દિકરીનાં આવકારમાં કંકુ પગલાં લેવા થાળી તૈયાર કરાવી. પોતાની અધૂરી ઈચ્છા દિકરીમાં પૂરી કરશે તે આશાએ દુનિયાભરની વિવિધતા સાથેના રંગબેરંગી બૂટ લાવેલો તે ગોઠવીને કામવાળીને તૈયાર રહેવા કહ્યું.
પ્રિતીના પહેલાં કદમ પડવાના હતાં એ આશાએ પ્રિયાનાં હાથમાંથી પ્રીતિને ઉંચકી કુમકુમ પગલાં કરાવવા જાય ત્યાં જ આંખમાંથી આંસુ સરી પડ્યાં.
બીજી જ પળે તેની આંખ વિવિધ બૂટની હારની આખરે ખુલ્લા પગે ઉભેલી કામવાળીની દિકરીને જોઈ ચમકી ઊઠી.
-- જ્યોતિ આચાર્ય
અમદાવાદ


Comments
Post a Comment