રોજ પુછે આયનાની તડ મને, કેમ આ દેખાય ખાલી ધડ મને ? ✍️ લેખક :- શૈલેષ પંડ્યા નિશેષ ✍️
રોજ પુછે આયનાની તડ મને,
કેમ આ દેખાય ખાલી ધડ મને?
શું કરું ધોખો સ્વજન હું આપનો.
ભીંત પણ સમજે છે જ્યાં ઉજ્જડ મને.
ના વળો ટોળે સ્મરણનાં સ્વાંગમાં,
બહુ ગમે એકાંતની સાંકડ મને.
પાછું ખોળે ખૂંદવું મા તારે, ત્યાં,
લાગતું ચંદન જેવું કીચડ મને.
બે'ક પંખી, એક ટ્હુકો આપશો?
કરગરે બે હાથ જોડી વડ મને.
આશ લીલી રાખ, કૂંપળ ફૂટશે,
શીખવી ગ્યું સાવ સુક્કુ થડ મને.
તન ઘસાઈ જાશે ત્યારે મ્હેંકશે,
સ્હેજ મલકીને કહે સુખડ મને.
જેમ સ્પર્શે ફૂલને પેલ્લું કિરણ,
ઓ ઉદાસી! એમ તું પણ અડ મને.
બે ઘડી મેં શ્વાસને પોરો દીધો,
ત્યાં જ બાંધી ગયું કોઈ સજ્જડ મને !
શૈલેષ પંડ્યા નિશેષ

Comments
Post a Comment