શીર્ષક :- ખુશીનો ઑક્સિજન ✍️ ✒લેખક :- આશા વીરેન્દ્ર..Dt. 28-07-2020


     

થોડા દિવસ પહેલા પેપર હાથમાં લેતાંની સાથે આઘાતજનક સમાચાર પર નજર પડી.’સુશાંત સિંહ રાજપૂતે કરેલી આત્મહત્યા’. સુશાંતસિંહ-માત્ર 34 વર્ષનો યુવાન,દેખાવડો હસમુખો અભિનતા. એને આત્મહત્યા કરવાની શી જરૂર પડી? હજી કારણો બહાર નથી આવ્યાં પણ કહેવાય છે કે, કદાચ ડીપ્રેશનનું કારણ હોઈ શકે. હજી અઠવાડિયા પહેલા જ એની મેનેજર રહી ચૂકેલી દિશા સલિયને 14 મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. એની આત્મહત્યાનું કારણ પ્રેમમાં મળેલી નિષ્ફળતા હતું. સુશાંત એ આઘાતમાંથી બહાર ન આવી શક્યો હોય એમ પણ હોઈ શકે.

ગણાવવા માટે તો ઘણાં કારણો હોઈ શકે. કોરોનાને લીધે ફરી વળેલું મંદીનું મોજું, એમાં ખરાબ રીતે ફસાયેલો ફિલ્મ ઉધ્યોગ, ખૂબ પ્રસિધ્ધિ અને સફળતાનો સ્વાદ ચાખ્યા પછીની હતાશા, નિરાશા. કુટુંબથી દૂર રહેવાને કારણે સતાવતી એકલતા અને અસલામતી...આવા આવા તો ગણ્યા ગણાય નહીં એટલાં કારણો. પણ સવાલ એ ઊભો થાય, કે આટલી જલ્દી હાર માની લેવાની?

નાનું બાળક પાનાંની એક કે બે બાજી ઉપરા ઉપરી હારે એટલે પાનાં ફેંકી દે અને કહી દે, કે મારે નથી રમવું. જીવનની બાજી શું આમ સસ્તામાં ફેંકી દેવા જેવી છે? આપણે જાણીએ છીએ, કે હાથે કરીને જીવ કાઢવો, આત્મહત્યા કરવી કંઈ સહેલી વાત નથી. એ બહુ હિંમત માગી લે એવું સાહસ છે પણ કપરા સંજોગો સામે ઝઝૂમવું, વારંવાર મળતી હારને સ્વીકારવી, પચાવવી અને પડ્યા પછી નવા જોમ અને જુસ્સાથી ઊભા થવું એમાં શું વધુ હિંમત અને સાહસની જરૂર નથી પડતી? ‘હું તો મેદાન છોડીને જાઉં છું, મારે નથી લડવું’ એમ કહેવા કરતાં ‘ગમે તેવા સંજોગો આવે હું એનો સામનો કરીશ. મારી હાર સ્વીકારીને હું જીતનો માર્ગ નવેસરથી શોધીશ’ એમ કહેવામાં ધૈર્યની વધુ કસોટી થાય છે.

કોરોનાની વિકરાળ મહામારીએ વિશ્વ આખાને પોતાની ઝપેટમાં લીધું છે ત્યારે ચિંતા ઉપજાવે એવા, ઉદાસ થઈ જવાય એવા સમાચાર તો મળતા જ રહેવાના પણ આ બધી નિરાશા વચ્ચે પણ સાવ નાની લાગતી વાતમાંથીય મનમાં આશાનો સંચાર થાય એવુંય બનતું તો  હોય જ છે. કદાચ સાંપ્રત સમયમાં ડર અને હતાશાનું પલ્લું એટલું ભારે થઈ જાય છે, કે સામાં પલ્લામાં બેઠેલી ખુશીનું વજન, એનું મહત્વ નગણ્ય જ રહી જાય છે. અફાટ સમુદ્રમાંથી મરજીવા ડૂબકી લગાવી લગાવીને મોતી મેળવી શકે છે એમ આપણેય આજે સર્વત્ર ફેલાયેલી હતાશાના મહાસાગરમાંથી થોડી ખુશીની ક્ષણો તો મેળવી શકીએ- જો પ્રયત્ન કરીએ તો.

મારા એવા પ્રયત્ન થકી મળેલી એવા બે પ્રસંગ આજે અહીં વહેંચવા છે. સાથેસાથે મેં કરેલી અથવા મારાથી થયેલી ભૂલની કબૂલાત કરી હળવા પણ થવું છે.

*પ્રસંગ-1.*

25 મી માર્ચથી લાગુ થયેલા લૉકડાઉનના પહેલા તબક્કા વખતની વાત છે. લૉકડાઉનના નિયમોનું બહુ કડકાઈથી, સખતાઈથી પાલન થતું પણ હતું અને કરાવાતું પણ હતું. અમારા વિસ્તારમાં શાકભાજી અને ફળફળાદિ વેચવા આવતા ફેરિયાઓને કોઈને કોઈ કારણ બતાવીને પોલિસ દંડા બતાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભગાડતી રહેતી હતી.

એક પતિ-પત્ની અને એમનો આઠેક વર્ષનો દીકરો કેળા, ટેટી, કલીંગર જેવા ફળોની લારી લઈને નીકળ્યા હતાં. એમની પાસે કલીંગર લઈને મેં કેટલા પૈસા આપવાના એમ પૂછ્યું ત્યારે એણે થયું હતું એના કરતાં વધુ વજન કહીને મારી પાસે દસ રૂપિયા વધુ માગ્યા. મને દસ રૂ. વધારે આપવાનો વાંધો નહોતો પણ એ મને મૂરખ બનાવીને પૈસા શાનો લે? મને બધી સમજ પડે છે એમ બતાવી આપવા મેં કહ્યું, ‘વજન તો ઓછું થયું છે ને તું દસ રૂ. વધારે કેમ કહે છે, ભાઈ?’ તરત જ એની પત્નીએ કહ્યું, ‘હા બહેન, તમારી વાત બરાબર છે. જલ્દી તમારા હિસાબે થતા પૈસા આપી દો. હમણાં પોલિસ આવી જશે તો અમને અહીંથી ખદેડશે.’

મેં દસ રૂ. ઓછા આપ્યા પણ તરત જ બાજુની દુકાનમાંથી બિસ્કીટનું પેકેટ લઈ આવીને એને આપીને કહ્યું, ‘લે, આ તારા દીકરા માટે.’ પેલી બેને રાજી થઈને છોકરાના હાથમાં પેકેટ મૂકીને કહ્યું, ‘લે, માસીએ તારે માટે બિસ્કીટ આપી.’ છોકરાએ તરત જ પેકેટ ખોલીને બિસ્કીટ મોઢામાં મૂકતાં હસીને મારી સામે જોયું. એ નજરમાં એવું કંઈક હતું જે મને અંદર સુધી સ્પર્શી ગયું. એ દંપતીને દસ રૂ. વધારે આપી દીધા હોત તો મારું શું લુંટાઈ જવાનું હતું એવો મારા મન સાથેનો કચવાટ પેલા બાળકનાં રાજીપાનાં સ્મિત સાથે દૂર થઈ ગયો. જો કે, આજે પણ હું જાતને ઠપકો આપું છું કે ‘તારી બનાવટ મેં કેવી પકડી પાડી!’ એવી હોશિયારી બતાવવાનો એ વખત નહોતો.

*પ્રસંગ-2*

આ પ્રસંગ કદાચ લૉકડાઉન-2 દરમ્યાન બનેલો. એ દિવસોમાં પણ આ ફેરિયાઓની પરિસ્થિતિમાં કંઈ ખાસ ફરક પડ્યો નહોતો. પોલિસની દંડાવાળી અને રંજાડ ચાલુ જ હતા. વળી વધારામાં શાકભાજીવાળા ફેરિયાઓને કારણે કોરોના વધારે ફેલાય છે એવી વાતને લીધે એમને ઘરાકો પણ ઓછા મળતા હતા.પાછું સવારે અગિયાર વાગ્યા પછી કોઈએ વેચાણ ન કરવું એવું કલેક્ટરનું ફરમાન પણ હતું.

શાકભાજીની લારી લઈને ઊભેલી છોકરી પાસેથી મેં શાકની ખરીદી કરી. મારે લીંબુની જરૂર તો નહોતી પણ અમસ્તું જાણવા ખાતર જ મેં ભાવ પૂછ્યો. એણે કહ્યું, ‘ત્રીસ રૂ. નાં 250 ગ્રામ.’ લીધેલા શાકના પૈસા ચૂકવીને હું લીંબુ લીધા વગર જવા લાગી એટલે એ કહે, ‘ લઈ જાવને માસી, હમણાં ધંધો બંધ કરી દેવો પડશે. જે થોડું-ઘણું વેચાયું તે સાચું. ચાલો, 20 રૂ. નાં 250 ગ્રામ લો, પણ લઈ જાવ.’ એ પરાણે કહેવા લાગી એટલે લીંબુ લઈને મેં એના હાથમાં વીસની નોટ મૂકીને ચાલવા માંડ્યું.

ત્યારે તો ઉતાવળમાં મેં ન વિચાર્યું પણ ઘરે આવ્યા પછી એ વાતે મારો કેડો ન મૂક્યો, કે એણે ભલે કહ્યું પણ મારે 30 રૂ. આપીને જ લીંબુ લેવા જોઈએ ને? એની મજબૂરીનો મેં ફાયદો શા માટે ઉઠાવ્યો? મને ચેન ન પડ્યું એટલે ઘરથી થોડું દૂર હોવા છતાં હું બીજે દિવસે એની લારી પાસે પહોંચી. ઘરાક જોઈને એ ખુશ થઈને કહેવા લાગી, ‘શું આપું માસી? ગુવાર, ભીંડા, ટીંડોરા બધું તાજું છે.’ એને આગળ બોલતી અટકાવીને મેં કહ્યું, ‘હું કાલે જ તારી પાસેથી બધું શાક લઈ ગઈ એટલે આજે તો કંઈ નથી જોઈતું પણ કાલે તું 30 રૂ.માં જે વેચતી હતી એ લીંબુ તેં મને 20 રૂ.માં આપ્યા. હું લઈ તો ગઈ પણ આજે એ દસ રૂ. તને આપવા માટે આવી છું.’

જરાક વાર તો એ ગુંચવાઈ ગઈ હોય અને માની ન શકતી હોય એવા ભાવ એના ચહેરા પર આવ્યા. પછી હસીને એણે પૂછ્યું, ‘કાં રો માસી?’ (ક્યાં રહો માસી?) મેં મારી સોસાયટીનું નામ કહ્યું એટલે કહે, ‘તું હો ખરી છે માસી, દસ રૂ.ને હારુ આટલે દૂર થોડું અવાય? ને મેં જાતે તને લીંબુ આપેલાં. તેં મને પૈહા ઓછા કરવાનું ની કીધેલું.’

મેં કહ્યું, ‘ના, તારે ધંધો બંધ કરવાનો હતો એટલે લાચારીથી તારે ભાવ ઓછો કરવો પડ્યો ને મેં ઉતાવળમાં લીંબુ લઈ તો લીધાં પણ ઘરે જઈને જીવ બળ્યો એટલે આજે પાછી આવી.’

મેં જાણે બહુ મોટું દાન કરી નાખ્યું હોય એવા અહોભાવ સાથે અણે થોડી આનાકાની કરીને દસની નોટ સ્વીકારી ને પછી કહ્યું, ‘બધા ઘરાક તારી જેવા ની હોય હં માસી!’ એનું આ વાક્ય સાંભળીને હું ધન્ય થઈ ગઈ. ત્યારે મને થયું, કે આવી ‘છોટી છોટી બાતેં’ મળીને જ મોટી વાત બને છે. ને આવા નાના પ્રસંગોમાંથી જ આપણને ખુશીનો ઑક્સિજન મળી રહે છે. 

✒લેખક: આશા વીરેન્દ્ર
      Mob No +91 94285 41137
      
(આ પોસ્ટ કોપી રાઈટ  આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

પોસ્ટ ... લાગણીનો રંગમંચ ટીમ

Comments

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .