શીર્ષક : વાર્તા ઉઘાડી બારી ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.
જતીન અને જલ્પા બન્ને જણાં એકબીજાની બાજુમાં પાસે પાસે રહેતાં હતાં. પહેલા તો તે બારી પાસે ઉભી રહીને દૂર સુધી જોયાં કરતી. ક્યારેક વાળ સુકવતી. ક્યારેક તેની નજર જતી તો જતીનને ઊભેલો જોઈ તે ત્યાંથી ખસી જતી. ક્યારેક અગાસીમાં કપડાં સુકવવા જતી તો ત્યાં પણ કોઈ કારણસર જતીનને આવેલો જોતી. એકબીજાને જોયાં કરતાં. આવી તેમની લૂકાછૂપી ચાલ્યાં કરતી. કોઈ વાર્તાલાપ કે સંદેશાની આપલે થતી નહીં. એકબીજાથી અજાણ એવાં ક્યારે તેમની નજર મળી ગઈ એ ખબરજ ન પડી.
ધીમે ધીમે બન્નેને એકબીજા માટે લાગણી જન્મી. તેઓ હવે સામું જોઈને હસતાં થયાં. વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈને કોઈ આવી જતું એટલે વાત અટકી જતી. બન્ને મનની વાત મનમાં રાખી બારી છોડી દેતાં. આ બારી તેમનાં મૂક પ્રણયની સાક્ષી બનીને રહી. કાયમ ઉઘાડી રહેતી બારીએ તેમનાં પ્રેમનાં સ્પંદનો ઝીલ્યાં અને એ પણ જીવંત બની ગઈ.
પછી તો દુનિયાથી બેખબર બની દિલની વાતો કરવા અગાસીમાં પહોંચી જતાં. ત્યાં ઈશારાઓમાં વાતો થતી. એકબીજાના પ્રેમનો એકરાર પણ થતો. દૂર જવાનું તેમને ગમતું નહીં છતાં તેઓ બહાર પણ મળવા લાગ્યા. બગીચામાં એકાંત ખૂણે મળવા લાગ્યા. તેમનો પ્રેમ આંધળો ન હતો. સત્યથી વેગળો પણ નહતો. બધી હકીકત જાણતાં હતાં છતાં. એ સમયમાં જ્ઞાતિના વાડા ઘણા ઘણાં હતાં. એની બહાર કોઈને પરણવા ન દેતાં. બેઉની જ્ઞાતિ ઘણી અલગ હતી છતાં તેમને વિશ્વાસ હતો કે અમારાં પ્રેમને સ્વીકૃતિ જરૂર મળશે.
આ જાલિમ જમાનામાં જ્ઞાતિના વાડામાં બંધાઈ ગયેલાં લોકોને પ્રેમની ભાષા કયાંથી સમજાય? જતીનનાં મમ્મી પપ્પા
ને ખબર પડતાં તેઓએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી, "તારા લગ્ન શક્ય નથી. બે બહેનોનો તો વિચાર કર. તેની સાથે કોણ લગ્ન કરશે? જો તું કરીશ તો અમારું મરેલુ મોઢું જોઈશ". એવી દમદાટી આપી. એવું કહીને આ સબંધ ઉપર પરદો પાડી દેવાનું કહ્યું.
તેનાથી દૂર રહેવાની ચેતવણી આપી. જતીન પણ પોતાના દિલ પર પથ્થર રાખી બારી જ કાયમ માટે બંધ કરી દીધી અને નિઃસાસા સાથે આંસુઓ માની ઝોળીમાં ઠાલવવા લાગ્યો.
હવે જતીન બારીમાં દેખાતો ન હતો. જલ્પા એ બારીને તાકી તાકીને જોયાં કરતી પણ બંધ બારી ખુલતી જ નહતી. અગાસીમાં જતી તો ત્યાં પણ નજર ન આવતો. તે ખૂબ જ ઉદાસ થઈ ગઈ. તેણે મળવાનાં, સંદેશા મોકલવાના ઘણાં પ્રયાસ કર્યા પણ તેમાં તેને સફળતા મળી નહીં. જલ્પાનાં મમ્મી પપ્પાએ પણ તેને ભૂલી જવાનું કહ્યું.
તેનું દિલ તૂટી ગયું. તેની લાગણીઓ મરી પરવારી. તે જીવતી તો હતી પણ તેની માનસિક હાલત ગંભીર હતી. તે ઉંડા આઘાતમાં સરી પડી. તેની જીવવાની ઇચ્છા જ મરી પરવારી. તેનાં ગળે ખોરાક ઊતરતો ન હતો. એ બન્નેનો પ્રેમ એ ખાલી આકર્ષણ નહીં પણ સાચા દિલથી કરેલો પ્રેમ હતો. તેની દરેક ધડકનમાં, તેનાં દરેક શ્વાસોમાં તે સમાયેલો હતો. તેને ભૂલવાનું કહે છે પણ પહેલો પ્રેમ ભૂલાય કઈ રીતે? જ્યાં દિલ તૂટી ગયું હોય ત્યાં દિલાસો કેમ કામ લાગે?
તેની તેની તબિયત દિવસે દિવસે બગડતી ગઈ. તેણે તેની મમ્મીને બારી પાસે પલંગ મૂકવાનું કહ્યું. મમ્મી કહે, "જેને જોવાનો નથી, યાદ કરવાનો નથી એને માટે તું આટલાં ધમપછાડા કેમ કરે છે?" એણે કહ્યું, "મમ્મી તને એ નહીં સમજાય. એ મારામાં સમાઈ ગયો છે અને હું તેનામાં સમાઈ ગઈ છું. એ પણ બારી પાછળ આ જ રીતે વલવલતો હશે. મારા દિવસો ગણાઈ રહ્યાં છે એટલે આ વિલાય જતી નજરે બસ એકવાર જોવા માંગુ છું. મને ખાતરી છે કે મારી ઈચ્છા જરૂર પૂરી થશે".
બારીના દરવાજા આમતેમ અથડાઈને અવાજ કરતાં હતાં. સામેની બારી બંધ હતી. ત્યાં કોઈ હીલચાલ નહતી. જલ્પાનાં દિલે જવાબ આપી દીધો અને જતીને એનાં દિલનાં સ્પંદનો ઝીલી લીધાં. એકબીજાને અલવિદા કહી તેમનાં આત્માએ ફરી મળવાનો વાયદો કર્યો. બે ઠાઠડી ને બે સ્મશાન યાત્રા નીકળી. નિર્દય જમાનાએ હર્યાભર્યા દિલને પ્રેમ કરવાની સજા આપી દીધી. અમર પ્રેમની કહાણી આમ પૂરી થઈ ને સમય જતાં બારી ખુલ્લી પણ તેનાં દરવાજા રાહ જોતાં ખખડધજ થઈ ગયાં.

Comments
Post a Comment