વાર્તા : રક્ષાબંધન ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.




          મિલન અને મીતા સગા ભાઈ બહેન હતાં. એકજ માની કૂખે જન્મેલા અને લાડ પ્યારથી ઉછરેલાં. માને તો બેઉ ભાઈ બહેન ડાબી અને જમણી આંખના તારાની જેમ ગણે. બન્નેને સરખો પ્રેમ આપે. ક્યારેય કોઈ ભેદભાવ રાખ્યો ન હતો. નાનપણથી બન્નેને રક્ષાબંધનનો તહેવાર ખૂબ ગમતો. શ્રાવણ મહિનો આવે એટલે એ તહેવારની રાહ જુએ. મિલનને રાખડી બંધાવવી બહુ ગમતી. મોટા થયાં પછી પણ જ્યાં ગયો હોય ત્યાંથી રક્ષાબંધનને દિવસે રાખડી બંધાવવા આવી પહોંચતો. મીતા તેને સ્નેહથી કંકુ ચોખાનો તિલક કરી આરતી ઉતારી રાખડી બાંધતી અને મીઠુ મોઢુ કરાવી લાંબી ઉંમરની પ્રાર્થના કરતી. મિલન પહેલા તો તેને ચીડવવા ખાલી હાથ બતાવતો પછી ખીસ્સામાંથી કંઈ ને કંઈ ભેંટ તેને આપતો. તે ખૂશ થઈ જતી પણ તે કાયમ કહેતી, "વસ્તુ કરતાં મારે મન તારું મૂલ્ય વધારે છે. તારી હાજરી ને તારો પ્રેમ મારી જિંદગીને સ્નેહથી તરબતર કરી દે છે".

         આવી જ એક રક્ષાબંધનનાં દિવસો પહેલાં મીતા મિલનની રાહ જોઈ રહી હતી. મિલનનો ફોન પણ આવ્યો, "બહેના વહેલી તકે આવું છું ને મારા સૂનાં કાંડા પર રાખડી જરૂર બાંધજે ". મીતા અને તેનાં મમ્મી અને પપ્પા પણ તેની રાહ જોવા લાગ્યાં. મિલને પણ મીતા અને મમ્મી પપ્પા માટે ઘણી ખરીદી કરી હતી. આંખોમાં સપનાઓ ભરી સ્ટેશન આવી વડોદરા જવાં ગાડીની રાહ જોવાં લાગ્યો. વરસાદ મનમૂકીને વરસતો હતો. ધીમે ધીમે તેનું જોર વધતું ગયું. તોફાની પવનની સાથે ધોધમાર વરસી પડ્યો. મિલન ગાડીમાં હજી બેઠો અને થોડીવારમાં વસઈની દરિયાની ખાડી પસાર કરે એ પહેલાં તો ગાડી પાટા પરથી ઉતરી ગઈ અને ધડાકાભેર દરિયામાં ખાબકી. ગાડીનાં બધાં ડબ્બા દરિયામાં સમાય ગયાં. થોડો સમય બચાવની ચીસાચીસ સાથે બધું સમાપ્ત થઈ ગયું.

          મીતાએ એ ઘટનાનાં સમાચાર સાંભળ્યાં તો તે આઘાતથી બેહોશ થઈ ગઈ. એ જ્યારે હોશમાં આવી ત્યારે હાથમાં રાખડી રાખી મિલનને સંબોધી, "ભઈલા ક્યારે આવે છે? મારે તને રાખડી બાંધવી છે". પછી તે સૂનમૂન થઈ જતી. નિરાશાનાં ગર્તામાં સરી ગઈ હતી. ભાઈનો વિરહ સહન થતો ન હતો. તે જીવતી હતી પણ ભાઈ વગર જાણે તેનાં શરીરનો એક હીસ્સો દૂર થઈ ગયો એવું અનુભવતી. તેની સૂની આંખોમાં એકજ આશા હતી કે, "મારો ભાઈ જરૂર આવશે ".

         આ બાજુ દરિયામાં ગાડીને પડતાં જોઈ તે દરવાજા તરફ ભાગ્યો. તેને તરતાં આવડતું હતું. તે જલ્દી કૂદી પડ્યો અને બીજું કોઈ નુકસાન થાય એ પહેલાં એ સ્થળથી દૂર જતો રહ્યો. કિનારા તરફ જવા માટે તેણે નજર કરી પણ ચારે બાજુ પાણી સીવાય કશું ન હતું. તે ખૂબ થાકી ગયો હતો. માછલાં પકડવાની હોડી તેની નજરમાં આવી. તેણે હિંમતથી બચાવી લેવા સંકેત કર્યો. આ સાથે બે માછીમારો કૂદી પડ્યાં અને તેને હોડી સુધી લાવી તેમાં ચડાવી દીધો. થાકને કારણે તે બેભાન થઈ ગયો.

          જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તે માછીમારનાં ઘરમાં સુરક્ષિત હતો. તેણે ભગવાનનો પાડ માન્યો અને માછીમારને પગે લાગી પોતાની જિંદગી બચાવવા માટે ખૂબ ખૂબ આભાર માન્યો. ઘરમાં નાનકડી છોકરી હતી. તેણે કહ્યું, "આજે રક્ષાબંધન છે તો તમને રાખડી બાંધુ?. મિલનની આંખોમાં આંસુ આવી ગયાં. તેને મીતાની યાદ આવી ગઈ. તેણે એ છોકરી પાસે રાખડી બંધાવી વહાલથી તરબોળ કરી દીધી. માછીમારની રજા લઈને વડોદરા આવવા માટે નીકળી ગયો.

         સાંજ પડી ગઈ. મીતા રાહ જોઈ રહી હતી. તેની આંખોએ આંસુઓના તોરણ બંધાયા હતાં. ભઈલો હમણાં આવશે એમ વિચારી તે હાથમાં રાખડી લઈને બેઠી હતી. ત્યાં આંગણે રિક્ષા આવીને ઉભી રહી. મીતા માટે તો જાણે સોનાનો સૂરજ ઉગ્યો. તે દોડતી આંસુભરી આંખે તેને વળગી પડી. તેણે મિલનનાં હાથમાં રાખડી જોઈ. તેણે બધી હકીકત જણાવી. મીતાએ એ રાખડીને પ્રેમથી ચૂમી લીધી અને પોતાની રાખડી બાંધી. આજે વહાલનાં સાચાં સગપણની રક્ષાબંધન હતી.

રેખા પટેલ "સખી",
માંજલપુર,
વડોદરા.

Comments

  1. ખરેખર લેખ વાંચી આંસુ આવી ગયા.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

આજે ઘર ખાલી થવાનું ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

ગુરુનો મહિમા ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી.

વાર્તા શીર્ષક : વલોપાત ✍️ રેખા પટેલ" સખી ", માંજલપુર, વડોદરા.

દીકરી નું ઘર ક્યું ? ✍️ દક્ષા ઠાકર, 'દક્ષુ' અમદાવાદ...

તમે શ્રાવણ માસ માં ઘરે ફરાળી બનાવવા માંગો છો..? 👉 શ્રી જલારામ ખમણ હાઉસ તરફ થી શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી 😊 , તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો 🍀

શીર્ષક :- અભિનવ..પ્રકાર : વાર્તા ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

શીર્ષક : સપના ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા.

મને ફરવાનો શોખ ✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼 તા.વ્યારા જિ. તાપી

શ્રાવણ (અછાંદસ) ✍️ રેખા પટેલ "સખી", માંજલપુર, વડોદરા

મશગૂલ ✍️ મીનાક્ષી ત્રિવેદી 'મૌની' વડોદરા .